Western Times News

Gujarati News

સુરતમાં શંકાશીલ પતિ દ્વારા પત્ની ઉપર ફાયરિંગ કરાયું

Files Photo

સુરત, સુરત જિલ્લામાં સતત ક્રાઈમની ઘટનાઓનો વધારો થઈ રહ્યો છે, હજુ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસનો મુદ્દો ઠંડો પડ્યો નથી ત્યાં તો ફરી એક મહિલાની હત્યાની ઘટના બની છે. આ વખતે પત્નીથી અલગ રહેતા પતિએ જ અદાવતમાં તેની પત્ની પર બાળકોની નજર સામે જ ફાયરિંગ કરીને હત્યાની કોશિશ કરી હતી. બુધવારે રાત્રે બનેલી ઘટનામાં પતિએ તેની પત્ની પર એક પછી એક ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ ફાયરિંગ કરનાર શખ્સની દીકરીએ જ પિતા સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતના કતારગામમાં બનેલી ઘટનામાં પતિ અખિલેશે એક ૧૫ વર્ષની અને અન્ય એક એમ બે બાળકોની સામે જ મહિલા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના પછી આરોપી પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી વિગતો પ્રમાણે મૂળ કર્ણાટકનો અખિલેશ ૧૬ વર્ષ અગાઉ મૂળ રાજસ્થાનની મહિલાના પ્રેમમાં પડ્યો હતો. શરુઆતમાં બધું સારું ચાલ્યા બાદ અખિલેશ પત્ની પર શંકા રાખતો હતો જેના કારણે તે કંટાળી ગઈ હતી. પત્ની સગા કે મિત્ર સાથે વાત કરી તો પણ શંકાશીલ અખિલેશ પત્નીના બીજા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો. આ પછી પત્નીએ અખિલેશથી અલગ થવાનો ર્નિણય લીધો હતો અને ૭ વર્ષ પહેલા બન્ને એકબીજાથી અલગ રહેતા હતા. આવામાં પત્ની અખિલેશ સાથેના લગ્નથી થયેલા બે બાળકો સાથે એકલી રહેતી હતી.

પત્નીના ભણપોષણના કેસના લીધે બુધવારે અખિલેશ સુરત આવ્યો હતો અને તેણે પત્નીને દાઝમાં રાખીને તેના પર ફાયરિંગ કરી દીધું હતું. આ ઘટના મહિલાના સંતાનોની નજર સામે જ બની હતી. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને પોલીસે ૧૫ વર્ષની દીકરીનું નિવેદન લઈને તેના પિતા સામે ફરિયાદ નોંધી છે.

આ કેસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે, પતિના ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પત્નીએ અગાઉ બે વખત પોતાનું જીવન ટૂંકાવવાના પણ પ્રયાસ કર્યા હતા. આમ છતાં પતિ અખિલેશ સુધરવા માટે તૈયાર નહોતો. છૂટા પડી ગયા પછી પણ તે પતિને ત્રાસ આપતો હતો અને જૂની અદાવતમાં તેના પર ફાયરિંગ પણ કર્યું. પોલીસે પત્ની પર ફાયરિંગ કરનારા આરોપી પતિ અખિલેશને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બંદૂક ક્યાંથી લાવ્યો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.