Western Times News

Gujarati News

ભાજપની આંતરીક રાજકીય લડાઈના પાપે ભરૂચને ઉકરડો બનાવવાનું બંધ કરોઃ વિપક્ષ

(પ્રતિનિધિ) ભરૂચ, ૧૫ દિવસની અંદર ફરીવાર ભરૂચ શહેરમાં કચરાનું સંકટ સર્જાયુ છે.શનિવારથી બીજી વાર ડોર ટુ ડોર સેવા બંધ થઈ ગઈ છે.

ઠેર ઠેર ગંદકીના ઢગ્લા થઈ ગયા છે.આ તમામ સ્થિતિ સર્જાવા પાછળ ભરૂચ નગર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની  અણઆવડત તો જવાબદાર છે જ પરંતુ એનાથી પણ મોટુ કારણ ભાજપની આંતરીક લડાઈ કે તેમ વિપક્ષે જણાવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાયખા જીઆઈડીસીમાં ભરૂચ નગર પાલિકાને ડમ્પીંગ સાઈટ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી.નગરપાલીકાએ આ માટે એમઓયુ કર્યા હતાં.આ ડમ્પીંગ સાઈટ શરૂ કરાવવા માટે પાલિકાએ પહેલેથી જ ઘણો વિલંબ કર્યો હતો અને એમાય સ્થાનિક લોકોને વિશ્વાસમાં લીધા ન હોવાથી સાઈટ શરૂ કરવાની સાથે જ બંધ કરવી પડી છે.સ્થાનિક લોકો સાયખામાં ડમ્પીંગ સાઈટનો વિરોધ કરી રહ્યા છે.

સાયખા વિસ્તારમાં આવેલી આ ડમ્પીંગ સાઈટ પરનો વિરોધ રાજકારણથી પ્રેરીત છે.ભાજપની આંતરીક લડાઈના કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર ઉકરડા બની ગયા છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના બદલે પાલિકા હંગામી ઉકેલ શોધવાના હવાતીયા કરી રહ્યુ છે.

જ્યારે મૂળ ડમ્પીંગ સાઈટ પર કચરો ઠાલવવાના વાંધા છે ત્યારે પાલિકાએ મોદી ગાર્ડન પાસે નગરપાલિકા ના ગેરેજ માં તેમજ થામ ગામમાં પ્રાયમરી ડમ્પીંગ સાઈટ શરૂ કરી, આ રીતે પ્રાયમરી ડમ્પીંગ સાઈટ જ મૂળ ડમ્પીંગ સાઈટ બની ગઈ અને ત્યાં પણ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો.આજે પાલિકાએ અમરતપૂરા ગામમાં પણ ખાડામાં કચરો ઠાલલવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ લોકોએ વિરોધ દર્શાવ્યો છે.

આમ પાલિકાએ જ્યાં મનફાવે ત્યાં હંગામી અને કામપૂરતી ડમ્પીંગ સાઈટ ઉભી કરી દેવાના બદલે કાયમી ઉકેલ તરફ ધ્યાન આપવું જાેઈએ.ભાજપ પક્ષને પણ અમે અપીલ કરીએ છે કે તમારી આંતરીક લડાઈને અત્યારે બાજુમાં મુકી ભરૂચની જનતાનું અને ભરૂચનું હિત વિચારો તેમ વિપક્ષે જણાવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.