Western Times News

Gujarati News

રઝિયા બેગમનો પુત્ર યુક્રેનના સુમી શહેરમાં ફસાઈ ગયો

નિઝામાબાદ, નિઝામાબાદના સ્કૂલ શિક્ષિકા, જેઓ માર્ચ ૨૦૨૦માં સરકાર દ્વારા કોરોના મહામારીના કારણે અચાનક લાગુ કરાયેલા લોકડાઉનમાં, આંધ્રપ્રદેશના નેલ્લોરમાં ફસાયેલા તેમના દીકરાને વ્હીકલ પર ૧૪૦૦ કિમીનું કાપીને ઘરે પરત લઈ આવ્યા હતા, તેમના પર ફરીથી સંકટ આવી પડ્યું છે.

રઝિયા બેગમનો ૧૯ વર્ષનો દીકરો નિઝામુદ્દીન અમન, ઉત્તર-પૂર્વ યુક્રેનમાં આવેલા સુમી શહેરમાં ફસાયો છે, જ્યાં તે એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તે આશરે ૫૦૦ ભારતીય વિદ્યાર્થીઓમાંથી એક છે, જે હોસ્ટેલ રૂમ અથવા બંકરમાં રહે છે, આ બધાની વચ્ચે રશિયાએ યુદ્ધગ્રસ્ત દેશ પર લશ્કરી આક્રમણ પણ વધારી દીધું છે.

નિઝામુદ્દીન અમનની સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ રશિયાની બોર્ડર પાસે આવેલા સુમીમાં ફસાયા છે અને તે સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે. ચિંતિત રઝિયા બેગમે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, ગૃહમંત્રી મહોમ્મદ મહેમૂદ અલી તેમજ રાજ્યના અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓને તેમણે યુક્રેનમાં ફસાયેલા દીકરાને હેમખેમ પરત લાવવાની વિનંતી કરી હતી.

એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા રઝિયા બેગમે જણાવ્યું હતું કે, ‘મારા દીકરાએ મને તે જણાવવા માટે ફોન કર્યો હતો કે, તે હાલ ઠીક છે અને મારે તેની ચિંતા કરવાની જરૂર નથી’. રિપોર્ટ્‌સ પ્રમાણે, તેમનો દીકરો હાલ જ્યાં ફસાયો છે ત્યાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી નથી.

બે વર્ષ પહેલાની વાત કરીએ તો, માર્ચ ૨૦૨૦માં નિઝામુદ્દીન તેના મિત્રને મૂકવા માટે નેલ્લોર ગયો ગયો હતો. તેઓ એનઈઈટી-પીજીનું કોચિંગ લઈ રહ્યા હતા. અચાનક લોકડાઉન થતાં, રઝિયા તેમના દીકરાને લેવા માટે એકલા ૧૪૦૦ કિમી સ્કૂટર ચલાવીને ગયા હતા.

રઝિયા માત્ર તેમની સાથે થોડુ જમવાનું અને ઈંધણ લઈને ટુ-વ્હીલર પર નીકળી પડ્યા હતા. તેમણે રાત-દિવસ ડ્રાઈવિંગ કર્યું હતું અને દીકરા સુધી પહોંચ્યા હતા. દીકરાને લઈને તેઓ તરત જ ઘરે પરત ફર્યા હતા. રઝિયાના પતિ, જેઓ પણ સ્કૂલ શિક્ષક હતા, તેમની કિડની ફેઈલ થતાં ૧૪ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.