Western Times News

Gujarati News

દાદા બન્યા બાદ બદલાઈ ગઈ ઉદિત નારાયણની જિંદગી

મુંબઇ, સિંગર ઉદિત નારાયણ હાલ ખૂબ ખુશ છે અને જીવનનો શ્રેષ્ઠ સમય માણી રહ્યા છે. ઉદિત નારાયણ ફેબ્રુઆરી ૨૦૨૨માં દાદા બન્યા છે. ઉદિત નારાયણનો દીકરો અને સિંગર આદિત્ય નારાયણ ૨૪ ફેબ્રુઆરીએ દીકરીનો પિતા બન્યો છે.

આદિત્ય અને પત્ની શ્વેતા અગ્રવાલનું આ પહેલું સંતાન છે. ઘરમાં પૌત્રીના જન્મ બાદથી ઉદિત નારાયણ તેની સાથે સમય વિતાવવામાં વ્યસ્ત છે.

ઉદિત નારાયણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં પૌત્રીના આવ્યા પછી જીવન કેવી રીતે બદલાઈ ગયું છે તે વિશે વાત કરી હતી. ઉદિત નારાયણે કહ્યું, દાદા હોવાની લાગણી અદ્ભૂત છે. મેં પહેલા ક્યારેય આવું નથી અનુભવ્યું. મને વિશ્વાસ નથી થતો કે ત્વિષા એક મહિનાની થઈ ગઈ છે. હું હંમેશાથી ઈચ્છતો હતો કે આદિને ત્યાં દીકરી જન્મે. અમને ખૂબ આનંદ છે કારણકે અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા છે.

આદિ જન્મ્યો ત્યારે મને ખુશી થઈ હતી પરંતુ ત્વિષાના જન્મ વખતે મારો આનંદ બેવડાઈ ગયો હતો. ૬૬ વર્ષીય ઉદિત નારાયણનું કહેવું છે કે, તેમની પૌત્રી ત્વિષાને અત્યારથી જ સંગીતમાં રસ છે. તેમણે આગળ કહ્યું, “હું તેના માટે ઘણાં ગીતો ગાઉં છું. જ્યારે હું ‘અનાડી’ ફિલ્મનું ગીત છોટી સી પ્યારી સી નન્હી સી આઈ કોઈ પરી ગાઉં ત્યારે ત્વિષા તરત જ ઊંઘી જાય છે. સંગીત સાંભળીને તે ખુશ થઈ જાય છે.

તો શું આના પરથી કહી શકાય કે મોટી થઈને ત્વિષા દાદા અને પપ્પાની જેમ સંગીત ક્ષેત્રે આગળ વધશે? પ્રશ્નનો જવાબ આપતાં પદ્મભૂષણ વિજેતા ઉદિત નારાયણે કહ્યું, “મને લાગે છે કે સંગીત એવી વસ્તુ છે જે જન્મજાત તમારામાં ઉતરે છે. આદિત્યમાં મારા તરફથી આવ્યું અને મને લાગે છે કે ત્વિષા અમારા વારસાને આગળ વધારશે. તે ખૂબ ઊર્જાવાન છે અને મને લાગે છે તે ખૂબ હોંશિયાર બનશે.

વ્યક્તિગત જીવનમાં વ્યસ્તતા હોવા છતાં હવે ઉદિત નારાયણે લાઈવ શો માટે ટ્રાવેલિંગ શરૂ કર્યું છે. બે વર્ષ બાદ હવે સ્થિતિ સામાન્ય થતી દેખાઈ રહી છે ત્યારે ઉદિત નારાયણે રાહતનો શ્વાસ લીધો છે. તેમણે કહ્યું, “ગત રવિવારે મેં મધ્યપ્રદેશના ખુરાઈમાં પર્ફોર્મન્સ આપ્યું હતું.

આશરે ૨-૩ લાખ લોકો હાજર રહ્યા હતા. ડિસેમ્બર ૨૦૨૧માં કોન્સર્ટ માટે હું નાઈજેરિયા ગયો હતો. હવે આગામી મહિનાઓમાં વિદેશ ટૂર થઈ રહી છે. એપ્રિલમાં હું ઓસ્ટ્રેલિયા જઈશ અને જુલાઈમાં યુએસએ. મને આનંદ છે કે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. હું સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું મિસ કરતો હતો.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.