Western Times News

Gujarati News

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ પ્રિન્ટ મીડિયા સાથે સીધો સંવાદ કર્યો

ગુજરાતના પ્રિન્ટ મીડિયાના માલિકો તથા તંત્રીશ્રીઓ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના માલિકો તથા ચેનલ હેડ્સ સાથે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ ઠાકુરનો સીધો સંવાદ

PIB અમદાવાદ દ્વારા યોજાયેલ બે અલગ-અલગ કાર્યક્રમમાં અગ્રણી પ્રિન્ટ તથા ટી.વી.ચેનલ્સના મોભીઓએ મંત્રીશ્રી સાથે વિચારવિમર્શ કર્યો

અમદાવાદ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે  (Anurag Thakur, Union Minister for I&B and Youth Affairs & Sports) શુક્રવારે પોતાની એક દિવસીય મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં અગ્રણી પ્રિન્ટ તથા ટી.વી. ચેનલ્સના માલિકો, તંત્રીઓ અને ચેનલ હેડ્સ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી. આ અનૌપચારિક બેઠકમાં પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા જગતને લગતા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર  મીડિયા જગતના મોભીઓએ વિશદ છણાવટ કરી હતી.

મંત્રીશ્રીએ લોકશાહીના આ ચોથા આધારસ્તંભને વધુ મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન અખબારો, ટી.વી. ચેનલ્સ અને એના રિપોર્ટર્સ, એડિટર્સને પડેલી મુશ્કેલીઓ અંગેની રજૂઆતના સંદર્ભમાં મંત્રીશ્રીએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તથા એના પત્રકારોના લાભાર્થે સરકાર અનેક કદમો ઉઠાવી રહી હોવાની વાત કરી હતી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા આયોજિત આ ગોષ્ઠિમાં જાહેર હિતના અનેક મુદ્દાઓ ઉપર મંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભ્રામક અને ખોટા સમાચારો ફેલાવતા સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર સરકાર દ્વારા કોઈ પ્રકારનો અંકુશ મૂકાય એવી અપેક્ષા પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના અગ્રણીઓએ વ્યક્ત કરી હતી.

પી.આઈ.બી.ના એડિશનલ ડી.જી. ડૉ. ધીરજ કાકડિયા (Dhiraj Kakadia) , રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ સચિવ સુશ્રી અવંતિકા સિંહ (Avantika Sinh) ,માહિતી નિયામક શ્રી આર કે મહેતા (R. K. Mehta)   વગેરે પણ આ ગોષ્ઠિમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.