Western Times News

Gujarati News

પંજાબ પોલીસે બબ્બર ખાલસાના એક આતંકવાદીની ધરપકડ કરી

ચંદીગઢ, પંજાબ પોલીસે રવિવારે બબ્બર ખાલસાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. લુધિયાણાના શિંગાર સિનેમા બોમ્બ બ્લાસ્ટ સહિત અન્ય કેસમાં વોન્ટેડ આ આતંકવાદી છેલ્લા ૧૨ વર્ષથી ધરપકડથી બચી રહ્યો હતો. પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે મોહાલીના ડેરા બસ્સીમાંથી ચરણજીત સિંહ ઉર્ફે પટિયાલવીની ધરપકડ કરી હતી.

પટિયાલવી આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સક્રિય સભ્ય હતો અને ૨૦૦૭ના લુધિયાણા વિસ્ફોટોમાં સામેલ હતો. આ વિસ્ફોટમાં ૬ લોકોના મોત થયા હતા જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા હતા.બીકેઆઇના આતંકવાદી મોડ્યુલનો પોલીસે ૨૦૧૦માં પર્દાફાશ કર્યો હતો.

આ આતંકવાદી મોડ્યુલ ૨૦૧૦માં પટિયાલા અને અંબાલાના કાલીમાતા મંદિરમાં થયેલા વિસ્ફોટોમાં પણ કથિત રીતે સામેલ હતો. એજીટીએફના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ગુરપ્રીત સિંહ ભુલ્લરે રવિવારે જણાવ્યું હતું કે, પટિયાલવીના અન્ય તમામ સહયોગીઓની પંજાબ પોલીસે ૨૦૧૦માં ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, પટિયાલવી છેલ્લા ૧૨ વર્ષથી અલગ અલગ ઓળખ અને સ્થળોનો ઉપયોગ કરીને ધરપકડથી બચી રહ્યો હતો. ભુલ્લરે કહ્યું, “પટિયાલવી હાલમાં ગ્રંથીના વેશમાં પશ્ચિમ બંગાળના ખડગપુરમાં એક ગુરુદ્વારામાં છુપાયેલો હતો અને તે કોઈપણ સંચાર ઉપકરણ (મોબાઈલ ફોન વગેરે) નો ઉપયોગ કરતો ન હતો.”

ભુલ્લરે કહ્યું કે, તેની પાસેથી પશ્ચિમ બંગાળના સરનામાં સાથેના વિવિધ ઓળખ પત્રો મળી આવ્યા છે. ભુલ્લરે જણાવ્યું હતું કે, પટિયાલાના બુટ્ટા સિંહ વાલા ગામના રહેવાસી પટિયાલવીને માચીવાડા પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં જાહેર ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે, સહાયક મહાનિરીક્ષક ગુરમીત સિંહ ચૌહાણ અને નાયબ પોલીસ અધિક્ષક બિક્રમજીત સિંહ બ્રારની આગેવાની હેઠળની ટીમે ડેરા બસ્સી નજીક લાલી ગામમાં સ્થિત ગુરુદ્વારા નજીકથી પટિયાલવીની ધરપકડ કરી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.