Western Times News

Gujarati News

સરહદી ખેંગ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ બન્યો જનસેવાનું માધ્યમ

 

દાહોદ: દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશની સરહદે ગુજરાતના છેલ્લા ગામ એવા ખેંગા ખાતે આજે જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ સેવા સેતુ કાર્યક્રમમાં પહોંચી હતી. આમ તો સરકારી કામો માટે દાહોદ સુધી આવતા આદિમ જાતિના આ નાગરિકોના ઘર સુધી આજે સરકારી કચેરીઓ પહોંચી હતી અને તેમને મળવાપાત્ર સહાય-લાભો હાથોહાથ આપ્યા હતા. છેલ્લા ઘણા કોઇને કોઇ કારણોસર અટકી પડેલા સરકારી કામો સેવા સેતુના માધ્યમથી ઝડપભેર થઇ જવાથી આ વિસ્તારના ગ્રામીણ લોકોના ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

ખેંગ ગામની એકલવ્ય આશ્રમ શાળાના પ્રાંગણમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ઝરીખુર્દ, સાલાપાડા, ટીમરડા, ટાંડા સહિતના દસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુમાં આવરી લેવામાં આવેલી ૫૭ પ્રકારની સેવા આપતી સંબંધિત કચેરીઓના સ્ટોલ ત્યાં લગાવવામાં આવ્યા હતા. વળી, કોઇ અરજદારને આ અંગે કોઇ ખબર ના પડે તો તેના માટે માર્ગદર્શકની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં આશ્રમ શાળાની બાલિકાઓના સ્વાગત નૃત્યથી થઇ હતી. તત્પશ્ચાત, પ્રાંત અધિકારી શ્રી તેજસ પરમાર અને જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી રમણભાઇ ભાભોરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. સરકારી સેવાની ડોર સ્ટેપ ડિલિવરીનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.

મસુરી સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમીની ૯૪મી ફાઉન્ડેશન બેંચના સાત સનદી અધિકારીઓએ પણ આ સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને તેને વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. આ અધિકારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.

આ સેવા સેતુ કાર્યક્રમની એક વિશેષતા એ રહી હતી કે, મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી આ વિસ્તારમાં લગ્ન કરનારી મહિલાઓના રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની પ્રક્રીયા સવિશેષ જોવા મળી હતી. એક રાજ્યમાંથી બીજા રાજ્યના રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની જટીલ પ્રક્રીયા આ સેવા સેતુ કાર્યક્રમમાં સરળતાથી થઇ હતી. વળી, રાજ્ય સરકાર દ્વારા તલાટી મંત્રીઓને પણ આવકના દાખલા આપવાની સત્તા આપવામાં આવતા તેને લગતી કામગીરી પણ કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.