Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં રૂા.૧૦૦ કરોડના શુધ્ધ પાણીનો વેડફાટ

Files Photo

મ્યુનિ. કોર્પો. વોટર મેનેજમેન્ટમાં નિષ્ફળ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમ.એલ.ડી. શુધ્ધ પાણી સપ્લાય વિવિધ વોટર ડીસ્ટ્રી. સેન્ટરો પરથી સપ્લાય કરવામાં આવે છે પરંતુ વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે તમામ પરિવારોને પુરતા જથ્થા અને પ્રેશરથી શુધ્ધ પાણી સપ્લાય થઈ રહયુ નથી.

તદ્‌પરાંત નક્કર આયોજનના અભાવે સપ્લાય થતા પાણીમાંથી લગભગ ર૦ ટકા પાણીના જથ્થાનો વેડફાટ થઈ રહયો છે એક અંદાજ મુજબ વાર્ષિક રૂા.૧૦૦ કરોડ કરતા પણ વધુ કિંમતના પાણીની ચોરી થાય છે. અથવા લીકેજ કે અન્ય કારણોસર વેડફાટ થાય છે.

સ્માર્ટસીટી અમદાવાદ નર્મદાના નીર પર આધારીત છે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૪૦૦ એમએલડી પાણીનો જથ્થો લેવામાં આવે છે જે પેટે સરકારને પ્રતિ એક હજાર લીટર રૂા.૪.૬પ લેખે પેમેન્ટ ચુકવવામાં આવે છે. સરેરાશ ગણતરી મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારને સરફેસ પાણી પેટે દૈનિક રૂા.૬પ લાખ ચુકવાય છે.

નર્મદાની વિવિધ કેનાલોમાંથી લેવામાં આવતા પાણીને શુધ્ધ (ટ્રીટ) કર્યા બાદ સપ્લાય કરતા સુધી પ્રતિ એક હજાર લીટર રૂા.૧૦નો ખર્ચ થાય છે. મતલબ કે મ્યુનિ. કોર્પોરેશન કોતરપુર, જાસપુર અને રાસ્કા પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવા માટે પ્રતિ એક હજાર લીટર રૂા.પ.૩પ નો ખર્ચ કરી રહયુ છે.

મ્યુનિ. કોર્પોરેશનના ત્રણ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા થયા બાદ તેને ર૧૮ જેટલા વો.ડી. સ્ટેશન મારફતે નાગરીકોના ઘર સુધી સપ્લાય કરવામાં આવે છે.

આ પ્રક્રિયા દરમ્યાન દૈનિક સરેરાશ રપ૦થી ર૮૦ એમએલડી પાણી વેડફાય છે મનપા દ્વારા ૧૪૦૦ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે તે પૈકી નાગરીકોના ઘર સુધી ૧૧ર૦ એમએલડી પાણી જ પહોંચે છે જયારે ર૮૦ એમએલડી પાણીનો ગેરકાયદે કનેકશન, મોટરીંગ, લીકેજીસ જેવા કારણોસર વેડફાટ થઈ રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રતિ એક હજાર લીટર પાણીને શુધ્ધ કરી સપ્લાય કરવા માટે રૂા.૧૦નો ખર્ચ થાય છે જે મુજબ ગણતરી કરવામાં આવે તો દૈનિક રૂા.ર૮ લાખના પાણીનો વેડફાટ થઈ રહયો છે જયારે વાર્ષિક રૂા.૧૦૦ કરોડ કરતા વધુ કિંમતના પાણીનો વ્યય થઈ રહયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક રૂા.૬પ લાખના મુલ્યનું “રો” વોટર ખરીદ કરવામાં આવે છે જેને ટ્રીટ કરી સપ્લાય કરતા સુધી રૂા.૧.૪૦ કરોડનો ખર્ચ થાય છે જેના વાર્ષિક ખર્ચની ગણતરી કરીએ તો મનપા ઘરે-ઘરે પાણી સપ્લાય કરવા માટે વાર્ષિક રૂા.પ૧૦ કરોડ ખર્ચ કરે છે જેની સામે નાગરીકો પાસેથી વોટર ટેક્ષ પેટે માત્ર રૂા.૧પપ કરોડ મળે છે આમ મ્યુનિ. કોર્પો.ને વોટર પ્રોડકશન કિંમતથી દર વર્ષે રૂા.૩૯પ કરોડનું નુકશાન થઈ રહયું છે. જયારે પાણી બગાડના કારણે વધુ રૂા.૧૦૦ કરોડનું વાર્ષિક નુકશાન થાય છે.

મ્યુનિ. કોર્પો દ્વારા છેલ્લા એક દાયકાથી ર૪ કલાક પાણી વોટર ઓડીટ, સ્કાડા, વોટર મીટર જેવા અનેક પ્રોજેકટો જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તેના કોઈ નક્કર આયોજન હજી સુધી થયા નથી જેના કારણે તંત્રને દર વર્ષે રૂા.૧૦૦ કરોડનું આર્થિક નુકસાન પાણી પાછળ થઈ રહયું છે.

અત્રે નોંધનીય છે કે નાગરિકોને ઘરે ઘરે શુધ્ધ પાણી મળી રહે તે માટે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી દૈનિક ૮પ૦ એમએલડી, જાસપુર પ્લાન્ટમાંથી દૈનિક ૪૦૦ એમએલડી અને રાસ્કામાંથી દૈનિક ર૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે. તદઉપરાંત પ૮૦ જેટલા બોરવેલમાંથી પણ પ૦૦ એમએલડી પાણી લેવામાં આવે છે પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે નાગરિકો બારેમાસ પાણી માટે વલખા મારી રહયા હોય છે તે હકીકત પણ સ્વીકારવી જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.