Western Times News

Gujarati News

દાહોદનાં જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખિલખલાટ દિવસ ઉજવાયો

(પ્રતિનિધિ) દાહોદ, સગર્ભા મહિલા અને બાળકોનું સ્વાસ્થ્યની ખાસ કાળજીએ દાહોદનાં આરોગ્ય વિભાગની અગત્યની પ્રાથમિકતા છે ત્યારે દાહોદનાં જેકોટ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ખિલખલાટ દિવસની ઉજવણી અંતર્ગત ૫૦ થી વધુ સગર્ભા મહિલાઓની આરોગ્ય ચકાસણ કરાઇ હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓને આ દિવસોમાં રાખવાની કાળજી, સંસ્થાકીય પ્રસૃતિની જરૂરીયાત તેમજ પ્રસૃતિ બાદ બાળકને છ માસ સુધી માતાના દૂધની આવશ્યકતા વગેરે જેવી બાબતો અંગે વિગતવાર સમજ અપાઇ હતી. તેમજ જે મહિલાઓને સારવારની જરૂર હતી, તેમને સારવાર પણ અપાઇ હતી. જેકોટના આસપાસના ૭ ગામોની સગર્ભા મહિલાઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.

સગર્ભા મહિલાઓની આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ તપાસ, લોહીની તપાસ, વજન-ઊંચાઇ વગરેની તપાસ કરવામાં આવી હતી. જે સગર્ભા મહિલાઓનું હિમોગ્લોબીન ૮ ટકાથી ઓછું હતું તેમને જરૂરી સારવાર આપવામાં આવી હતી.

મહિલાઓને સગર્ભા અવસ્થા દરમિયાન રાખવાની કાળજી વિશે વિગતવાર સમજ નિષ્ણાંત મેડીકલ સ્ટાફ દ્વારા અપાઇ હતી. તેમજ સંસ્થાકીય પ્રસૃતિ કેટલી જરૂરી છે તે બાબત સમજ અપાઇ હતી. પ્રસૃતિ બાદ પણ બાળકની રાખવાની સંભાળ બાબતે પણ તેમને માહિતી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમની એ ખાસ વાત હતી કે, અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ખિલખિલાટના સ્ટાફ દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવામાં આવી હતી. મહિલાઓને ખિલખિલાટ વાહન દ્વારા તેમને ઘરેથી લાવવા તથા પરત મુકી જવાની વ્યવસ્થા કરાઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ તેમને ચા-નાસ્તા સહિતની સુવિધાઓ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જેકોટના મેડીકલ ઓફિસર ડો. અવિનાર ડામોર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ખિલખિલાટનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.