Western Times News

Gujarati News

ઝઘડિયા વીજ સબ સ્ટેશન બહાર ટ્રાન્સફોર્મરમાં આગથી વીજ પુરવઠો ખોરવાતા જનતા ત્રાહિમામ

ઝઘડિયા વીજ સબ સ્ટેશન બહાર ટ્રાન્સફોર્મર માં  લાગેલ આગથી વીજ પુરવઠો ખોરવાતા જનતા ત્રાહિમામ.

ત્રણ કલાક ઉપરાંતના સમયથી વીજળી બંધ રહેતા નગરજનો ગરમીમાં શેકાયા.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની સંચાલિત સબ સ્ટેશનની બહારના વિસ્તારમાં આવેલ ટ્રાન્સફોર્મર ધડાકાના કારણે આગ લાગવાની ઘટના સર્જાવા પામી હતી.તેને લઈને વીજ સત્તાવાળાઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.આગ લાગવાની ઘટનાને પગલે બંધ કરાયેલ વીજ પુરવઠાને કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઝઘડિયાના નગરજનો ઉપરાંત સબ સ્ટેશનના વિસ્તારમાં આવતા અન્ય ગામોની જનતાએ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ સબ સ્ટેશનની બહાર આવેલ વીજ ટ્રાન્સફોર્મર ફાટતા તેમાંથી બહાર ફેંકાયેલ ગરમ ઓઇલના કારણે ઝાડી ઝાંખરામાં આગ લાગી હોવાનું મનાય છે.જોકે આગ લાગવાના કારણે ત્રણ કલાક ઉપરાંતના સમય માટે ખોરવાયેલા વીજ પુરવઠાને લઈને જનતાએ ભારે હાલાકિ ભોગવવી પડી હતી.લોકો ગરમીમાં શેકાવા ઉપરાંત બંધ થયેલ વીજળીના કારણે લોકોના કામો ગુંચવાયા હતા.હાલ કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે, ત્યારે મોટાભાગના સરકારી,ધંધાકીય તેમજ અન્ય ઘણાબધા કામો ઇન્ટરનેટના માધ્યમથી થતા હોય છે અને આ બધા કામો વીજળી પર આધાર રાખતા હોય છે.

આજે સબ સ્ટેશન સંકુલની બહારના વિસ્તારમાં ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટનાને પગલે બંધ થયેલ વીજ પુરવઠાના કારણે નગરજનોએ ભર ઉનાળે પરસેવામાં નહાવાનો વારો આવ્યો હતો.જાણવા મળ્યા મુજબ સબ સ્ટેશન બહાર લાગેલ આગના કારણે વીજ ઉપકરણોને પણ તેની અસર થઈ હતી.સામાન્ય રીતે ચોમાસા પહેલા વીજ કંપની દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે.ત્યારે ભર ઉનાળે વીજ સબ સ્ટેશન બહાર ઝાડી ઝાંખરામાં આગ લાગતા પ્રીમોન્સુન કામગીરીના ધજાગરા ઉડેલા દેખાયા હતા.સબ સ્ટેશનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ બેકાર હાલતમાં હોઈ વીજ કંપનીની બેદરકારી સામે આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.