Western Times News

Gujarati News

સ્તંભેશ્વર મહાદેવ પર સમુદ્ર દિવસમાં બેવાર અભિષેક કરે છે

અમદાવાદ, ગુજરાતમાં પૌરાણિક રીતે મહત્વ ધરાવતા અનેક મંદિરો છે. જેમાં ભગવાન ભોળેનાથનું આ મંદિર પણ સામેલ છે. સ્કંદ પુરાણમાં પણ આ મંદિર વિશે ગાથા છે.

મહિસાગર સંગમ તીર્થ જેવી પવિત્ર પાવન ભૂમિ પર આ શિવલિંગ- શ્રી સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના શંકર ભગવાનના પુત્ર કાર્તિકેય દ્વારા કરવામાં આવી હતી. અહીં દર્શન માત્રથી જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળી જાય છે તેવી માન્યતા છે. મનોકામના પૂર્ણ થાય છે.

આ સ્થળ ગુપ્ત તીર્થ કે સંગમ તીર્થ તરીકે પણ પ્રખ્યાત છે. ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કવી કંબોઈના દરિયાકાંઠે આવેલું આ મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે. એવું મનાય છે કે સ્તંભેશ્વર મહાદેવ (શિવલિંગ) પર સમુદ્ર પોતે દિવસમાં બેવાર અભિષેક કરે છે.

અહીં આવનારા શ્રદ્ધાળુઓની મનોકામના પણ પૂરી થાય છે તેવી માન્યતા છે. એવી લોકવાયિકા છે કે કાર્તિકેય દ્વારા તાડકાસૂરનો વધ થયો હતો. તાડકાસૂર શિવભક્ત હતો એટલે ત્યારબાદ કાર્તિકેયને શિવભક્તનો સંહાર કર્યાનો મનમાં વેદના રહેવા લાગી. જેના પ્રાયશ્ચિત રૂપે તેમણે આ સ્થળે શિવલિંગની સ્થાપના કરી અને વર્ષો સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા.

આ મંદિર દિવસમાં ૨ વાર ગાયબ થઈ જાય છે તેવું કહેવાય છે. હવે એની પાછળનું કારણ એ છે કે મંદિર સમુદ્ર કિનારે છે અને સવાર તથા સાંજે પાણીનું સ્તર વધી જતા લહેરો વચ્ચે મંદિર ગાયબ થઈ જાય છે. પાણી ઉતરી જાય એટલે મંદિર પાછું દેખાવવા માંડે છે.

આ વિશેષતાના કારણે તેને ‘ગાયબ મંદિર’ પણ કહે છે. મંદિર વિશે એવું પણ કહેવાય છે કે સમુદ્ર દિવસમાં બેવાર પોતે સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરે છે. આ અદભૂત નજારો જાેવા માટે મોટા પાયે શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને ભગવાન ભોલેનાથ પાસે અનેક કામના કરે છે, પૂજા પાઠ કરે છે.

ગુપ્ત તીર્થ તરીકે જાહેર થવા પાછળ પણ જે કથા છે તે કઈક એવી છે કે પૃથ્વી પરના બધા તીર્થ એકવાર ભેગા થઈને બ્રહ્માજી પાસે ગયા. તીર્થોએ બધામાં શ્રેષ્ઠ તીર્થ કોણ તે જણાવવાનું કહ્યું તો બ્રહ્માજીએ કહ્યું કે તેઓ જ જણાવે. બધા તીર્થ જ્યારે ચૂપ રહ્યા તો સ્તંભેશ્વર તીર્થે પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો.

કારણ કે ત્યાં દરિયા અને મહી નદીનો સંગમ છે અને આ ઉપરાંત દેવોના સેનાપતિ દ્વારા સ્થાપિત શિવજીનો પણ વાસ છે. આ સાંભળીને ધર્મદેવે અહંકારી વચનો બદલ સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપીને કહ્યું કે તીર્થ તરીકે તમે ક્યારેય પ્રસિદ્ધિ નહીં પામો, તમારી સિદ્ધિઓ ગુપ્ત જ રહેશે.

મહિસાગર સંગમ તીર્થ સ્તંભેશ્વર મહાદેવ-કાવી કંબોઈ પહોંચવા માટે વડોદરાથી ૫૩ કિમી સુધીનો રસ્તો બસ કે કાર દ્વારા જંબુસર થઈને પહોંચી શકાય છે.

જંબુસરથી આ સ્થળ ૩૦ કિમી દૂર છે. એટલે પહેલા તમારે જંબુસર પહોંચવું પડે. આ સ્થળ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ પર આવેલા ભરૂચ તેમજ વડોદરા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જાેડાયેલું છે. જંબુસરથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા નહાર થઈ કાવી પહોંચાય છે. અહીંથી કંબોઈ જવા માટેના રસ્તાને પણ ૨૦૦૮માં રાજ્ય ધોરીમાર્ગનો દરજ્જાે મળવાથી પહોંચ સરળ બની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.