Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCમાં છાસવારે થતી દુર્ઘટનાઓ પૈકી કેટલીક દબાઈ જતી હોવાની બુમ

 ઘણા ઉદ્યોગો કામદારોને યોગ્ય સલામતી આપવામાં ઉણા ઉતરતા હોવાની બુમ : નાની મોટી દરેક દુર્ઘટનાઓમાં પોલીસ ફરિયાદ કેમ નથી થતી?

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લો પાછલા બે દાયકા દરમ્યાન ઔદ્યોગિક વિકાસની બાબતે સમગ્ર રાજયમાં આગળ પડતું સ્થાન મેળવવામાં સદભાગી થયો છે.જીલ્લાના ભરૂચ,અંકલેશ્વર અને દહેજની જેમ ઝઘડિયા ખાતે પણ ઔદ્યોગિક વસાહત આકાર લેતા ઝઘડિયા તાલુકો પણ ઔદ્યોગિકરણની દિશામાં પોતાનું યોગદાન આપવા આગળ આવ્યો છે.દેશને વિવિધ જરૂરી વસ્તુઓ બાબતે સ્વાવલંબી બનાવવા ઔદ્યોગિક ઉત્પાદન એક મહત્વનું પરિબળ છે એ વાત સર્વમાન્ય છે.

પરંતું તેની સાથે સાથે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની સલામતિની વાત પ્રત્યે પણ આંખ આડા કાન કરી શકાય નહી. ઝઘડિયા જીઆઈડીસીમાં પણ ઘણીવાર નાનીમોટી દુર્ઘટનાઓ બનતી હોય છે.પરંતું આ પૈકી કેટલી દુર્ઘટનાઓ પોલીસ દફતરે નોંધાય છે? આ પ્રશ્ન એક જરૂરી સવાલના રૂપમાં લેવાવો જોઈએ.અત્રે એમ કહેવું યોગ્ય નથી કે જીઆઈડીસીમાં બનતી દરેક દુર્ઘટના જીવલેણ જ હોય.પરંતું તે પૈકીની કેટલીક જીવલેણ બની પણ શકે એ પણ એક વરવી વાસ્તવિકતા છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં છાસવારે નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોવાની બુમો ઉઠી રહી છે.પરંતું તેમાની ઘણી પોલીસ દફતરે નોંધાતી નથી હોતી એવી પણ લાગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.ઘણા ઉદ્યોગોમાં કામદારો જીવના જોખમે કામ કરતા હોય છે. ઉપરાંત ઘણી વાર કોન્ટ્રાક્ટ લેવલ પર કામ કરતા કામદારોએ ઉંચા સેડ પર પણ કામ કરવાની નોબત આવતી હોય છે.આવા કામદારોની સલામતી યોગ્ય રીતે જળવાઈ છે કે કેમ એ જોવાની જવાબદારી સંબંધિત કોન્ટ્રાકટરની ગણાય,છતાં ઘણીવાર કામદારો ઉંચાઈ પર હેલ્મેટ પહેર્યા વિના કામ કરતા હોવાની વાતો પણ સામે આવી છે.

આને માટે એક ચોક્કસ નિયમ હોવો જોઈએ કે નાની મોટી જે કોઈ દુર્ઘટના સર્જાય તે દરેક બાબત પોલીસ દફતરે નોંધાવી જોઈએ અને જે કોઈ ઉદ્યોગ સંચાલક આ બાબતને ગંભીરતા થી લેવામાં આંખ આડા કાન કરે તેના પર કડક કાર્યવાહી કરાવી જોઈએ.આ બાબતે રાજ્યના ઉધોગમંત્રી તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવનાર છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં ભુતકાળમાં કેટલીક દુર્ઘટનાઓ ઘટી હોવાની વાતો જાણવા મળી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આવી કેટલી ઘટનાઓ જાહેરમાં આવી?ઝઘડિયા જીઆઈડીસીમાં કામ કરતા સામાન્ય કામદારોની જીંદગીઓ પણ ઉદ્યોગ માલિકોની જીંદગી જેટલીજ કિંમતી છે.ત્યારે કામદારોની સલામતી ને લઈને કોઈ  બાંધછોડ ચલાવી લેવાય નહી.

હાલ ઝઘડિયા જીઆઈડીસીમાં ઝઘડિયા પોલીસ સ્ટેશનના તાબા હેઠળની પોલીસ ચોકી આવેલી છે અને જીઆઈડીસી માટે પોતાનું અલાયદુ પોલીસ સ્ટેશન ફળવાયેલ છે જે ટુંક સમયમાં કાર્યરત થશે.ત્યારે જીઆઈડીસીમાં કામદારોની સલામતી માટે યોગ્ય નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તેવી લોકલાગણી અને લોકમાંગણી તાલુકાની જનતામાં દેખાય છે.
 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.