Western Times News

Gujarati News

સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં જનમેદનીને લીધા રાષ્ટ્રીય એકતાના શપથ

સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં અને સાતપૂડાની શાખે યોજાઇ શાનદાર રાષ્ટ્રીય એકતા પરેડ

દેશની ૪૮ સુરક્ષા સંસ્થાઓના ગણવેશધારી દળોએ આપી અનોખી ધ્વજ સલામી –ભારત માતાના જયનાદોથી ગુંજયું સમગ્ર એસ.ઓ.યુ. પરિષદ

વડોદરા દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની જન્મજયંતિએ વિરાટ પ્રતિભાની વિશ્વની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદરાંજિલ અર્પી હતી. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર સાહેબની જન્મજયંતિની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમાનું પૂષ્પપૂજન કરવાની સાથે રાષ્ટ્ર શિલ્પીની ભાવવંદના કરી હતી. આ સમયે વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા પ્રતિમા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.  સરદાર સાહેબની આ અપ્રતિમ પ્રતિભાના સાંનિધ્યમાં દેશની જુદી-જુદી ૪૮ જેટલી સુરક્ષાદળોએ શિસ્ત અને સાહસસભર પરેડ રજૂ કરી હતી. આ દળોએ અનોખી ધ્વજ સલામીથી પ્રધાનમંત્રીશ્રીને આદર આપ્યો હતો.

વિશાળ જનમેદનીને પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. પુલવામા હુમલાના શહિદ નાસીર અહેમદના ધર્મપત્ની સાઝીયા કૌશલે પ્રધાનમંત્રીશ્રીને રાષ્ટ્રીય પોલીસ સ્મારક સ્મૃતિચિહ્નન અર્પણ કર્યું ત્યારે વાતાવરણ ભાવાત્મક બની ગયું હતું. ૨૦૦ થી વધુ બાળકોએ ગણવેશધારી જવાનોનો સાથ મિલાવી કલાત્મક કવાયત દ્વારા બાળ પેઢીના જુસ્સાને પ્રગટ કર્યો હતો અને સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી.

દેશના જુદા-જુદા ગણવેશધારી દળો અને વિવિધ રાજ્યોના પોલીસ  દળોએ શિસ્ત અને શૌર્યસભર આંતરરાષ્ટ્રીય પરેડ રજૂ કરી સૌને રોમાંચિત કર્યા હતા. પરેડમાં સી.આઇ.એસ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ., ઉપરાંત આસામ, કર્ણાટક, ગુજરાત અને જમ્મુ-કશ્મીરના પોલીસ દળો તથા આટીબીપી સહિત વિવિધ રાજ્યોના પોલીસ બેન્ડે શૌર્યસભર સુરાવલીઓ લહેરાવી હતી.

સી.આઇ.એસ.એફ., એન.એસ.જી અને એન.ડી.આર.એફ.એ વિવિધ સાહસભર્યા નિદર્શનોના માધ્યમથી આતંકવાદી તાકાતોને પરાસ્ત કરવાની રાષ્ટ્રીય દળોની અપ્રતિમ તાકાતની તથા ધરતીકંપ જેવી કુદરતી આપદાઓને પહોંચી વળવાની સક્ષમતા પ્રદર્શિત કરી સહુને રોમાંચિત કર્યા હતા. સી.આર.પી.એફ. અને ગુજરાત પોલીસના મહિલા મોટર બાઇકર્સે અદભૂત નિયંત્રણ શક્તિનું  પ્રદર્શન કરતા બાઇક પર યોગ, તલવારબાજી, એ.કે.૪૭ દ્વારા રાઇફલ પોઝીશનિંગથી જનમેદનીને ચકિત કરી હતી.

પાંચ મોટર સાયકલ્સ ઉપર ૨૬ મહિલા બાઇકર્સે ફલેગ માર્ચ કરીને એક ભારત- શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો હતો. રસમય જીવન માટે બાંસુરી બનાવવાની સાથે દેશની સુરક્ષા માટે બંદુક બનાવવાની કુશળતાની અનુભૂતિ દળોની કવાયતે કરાવી હતી.  સરદાર સાહેબના વિવિધ પ્રસંગોના ધ્વનિમુદ્રણે અખંડ એકતાનો સંદેશો આપવાની સાથે લોકોને સરદાર સાહેબની સર્વકાલીનતાની આદર અનુભૂતિ કરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.