Western Times News

Gujarati News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે

શ્રી ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી : સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્ર વાહકોને આપ્યું માર્ગદર્શન

જિલ્લાના બાકી ગામોમાં  વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે : મુખ્યમંત્રીશ્રી

Chief Minister Shri Bhupendra Patel visiting Chhotaudepur district affected by heavy rains

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત મંગળવારે લીધી હતી. મુખ્યમંત્રીશ્રી વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો,આશ્રય સ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો મેળવી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.

મુખ્યમંત્રીશ્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો.શિરોલાવાલા હાઈસ્કુલ ખાતે મુખ્યમંત્રીશ્રી વિરોધપક્ષનાનેતા શ્રી સુખરામ રાઠવાને પણ મળ્યા હતા.વિરોધપક્ષના નેતાશ્રીએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્ર વાહકોને માર્ગદર્શન આપ્યું હતું.કુદરતી આપદામાં જે લોકોના જાન-માલને નુકશાન થયું છે તેને ઝડપભેર સહાય ચૂકવવા તેમણે અધિકારીઓને સુચનાઓ આપી હતી. છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં ભારે વરસાદની અસર થઈ છે ત્યારે આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ હવે પાણી ઓસરતાં હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લાભ લઈ ન જાય એ રીતે નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે તેવા બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે વરસાદ બાદ રોગચાળો અટકાવવા માટે જરૂરી સફાઈ કામગીરી પણ હાથ ધરાશે.આ મુલાકાત વેળાએ આદિજાતિ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.