Western Times News

Gujarati News

રાજકોટના અંધમહિલા વિકાસગૃહ ખાતે લોકડાયરામાં દેશભકિત ગીતોની જમાવટ

Songs in Lokdaira at Andhamahila Vikasgriha in Rajkot

રાજકોટ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી તાજેતરમાં રાજકોટની અંધ મહિલા વિકાસ ગૃહ સભાખંડ ખાતે પ્રસિઘ્ધ લોકગાયક અને રેડિયો, ટીવી.ના બીહાઈ ગ્રેડ માન્યતા પ્રાપ્ત કલાકાર અશોક પંડયા અને સાથી કલાકારો દ્વારા શૌર્યગીતો, દેશભકિતના ગીતો, ઝવેરચંદ મેઘાણી રચીત લોકગીતો, કાવ્યો, દુહા-છંદ સહિતનો સાહિત્યસભર લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના પ્રારંભે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામિ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મિત્સુબેન વ્યાસ, અંધ મહિલા વિકાસ ગૃહના પ્રમુખ વિનોદ ગોસલીયા, માનદ મંત્રી ડો.પ્રકાશ મંકોડી, ટ્રસ્ટી જયાબેન ઠકરાર, દિનાબેન મોદી તથા અશોક પંડયા દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યુ હતુ.

ગણપતિ વંદનાથી શરૂ કરવામાં આવેલ લોકડાયરાના કાર્યક્રમમાં લોક ગાયક અશોક પંડયા, લોકસાહિત્ય, હાસ્ય કલાકાર અશ્વિન પ્રજાપતિ, મનિષાબેન પ્રજાપતિ, બાળ કલાકાર ધ્રુવ પંડયા, હાજી ઉસ્તાદ, સમીર તથા રાજુએ દેશભકિત ગીતો, મેઘાણી રચીત ગીતો જેમાં શીવાજીનુ હાલરડુ, મોર બની થનગાટ કરે,  કસુંબીનો રંગ, ચારણ કન્યા, દુહા-છંદની રમઝટ તેમજ દેશભકિતની વાતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંગીત-નાટક અકાદમી ગાંધીનગરનો આભાર વ્યક્ત કરી આવા કાર્યક્રમો દ્વારા યુવાનો, મહિલાઓ સહિતના લોકોમાં દેશ દાઝ પ્રગટે તેવા પ્રયાસોની સરાહના કરતા અશોક પંડયા ગ્રુપના તમામ કલાકારોની કલાને બીરદાવી હતી અંતે રાષ્ટ્રગાન રજુ કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.