Western Times News

Gujarati News

‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’ના પ્રથમ રાઉન્ડમાં રાજ્યભરમાંથી ચાર લાખથી પણ વધુ સ્પર્ધકો ક્વિઝ રમ્યા

ભારતની સૌથી મોટી ક્વિઝ ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’ના પ્રથમ અઠવાડિયામાં મળ્યો બહોળો પ્રતિસાદ: શિક્ષણ મંત્રી

પ્રથમ રાઉન્ડમાં રાજ્યભરમાંથી ચાર લાખથી પણ વધુ સ્પર્ધકો ક્વિઝ રમ્યા: શાળા કક્ષાએ ૩,૯૭૦ અને કોલેજ કક્ષાએ ૨,૫૪૦ મળી ૬,૫૧૦ વિજેતાઓ જાહેર

G3Qમાં માત્ર ૧૦ જ દિવસમાં ૧૮ લાખથી પણ વધુ રજિસ્ટ્રેશન થયા

રાજ્યની ૯,૨૨૧ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ૨,૨૬૩ કોલેજના યુવાઓએ ભાગ લીધો  -પ્રથમ અઠવાડિયાની ક્વિઝમાં ૩,૦૦૦ થી વધુ પ્રશ્નોના સ્પર્ધકોએ જવાબ આપ્યા – ક્વિઝમાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના અભિગમ સાથે રાજ્યમાં ગત તા.૭ જુલાઇથી શરૂ થયેલી દેશની સૌથી મોટી ક્વિઝ G3Q ‘‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’’ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર ૧૦ દિવસના ટૂંકા સમયમાં આ ક્વિઝ માટે ૧૮ લાખથી પણ વધુ રજિસ્ટ્રેશન થયા છે જે એક રેકોર્ડ સમાન છે.  ભૂતકાળમાં કોઇ પણ ક્વિઝ સ્પર્ધામાં ૧૦ દિવસ જેટલા ટૂંકા ગાળામાં આટલા રજિસ્ટ્રેશન નોંધાયા નથી.

મંત્રીશ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનના પ્રથમ અઠવાડિયામાં જ ચાર લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લઇ રેકોર્ડ સર્જયો છે. જેમાં શાળા કક્ષાએ ૨,૯૭,૦૦૦ થી વધુ, કોલેજ કક્ષાએ ૫૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સિવાય પણ ગુજરાતના ૫૦,૦૦૦ થી વધુ નાગરિકો આ ક્વિઝ રમ્યા હતા.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, ૯ અઠવાડિયા ચાલનારી G3Q ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર દરમિયાન રમાશે જેના વિજેતા શનિવારના રોજ જાહેર કરવામાં આવશે.

ત્યારે પ્રથમ અઠવાડિયામાં જે ક્વિઝ રમાઇ તેમાં શાળા કક્ષાએ ૩,૯૭૦ અને કોલેજ કક્ષાએ ૨,૫૪૦ મળી કુલ ૬,૫૧૦ વિજેતાઓ આજે તા.૧૬મી જુલાઇ શનિવારના રોજ જાહેર થયા છે. જે g3q.co.in વેબસાઇટ પર જોઇ શકાશે. વિજેતાઓ ઉપરાંત ક્વિઝમાં ભાગ લીધો હોય તે ચાર લાખથી વધુ સ્પર્ધકોને ડીજીટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. પ્રથમ અઠવાડિયામાં ભાગ લીધો હોય અને જીત્યા નથી તેવા સ્પર્ધકો બીજા અઠવાડિયામાં એમાં ફરી ભાગ લઇ શકશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, પ્રથમ અઠવાડિયામાં યોજાયેલ ક્વિઝ સ્પર્ધામાં રાજ્યની કુલ ૯,૨૨૧ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ૨,૨૬૩ કોલેજના યુવાઓએ પણ આ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો. પ્રથમ અઠવાડિયા દરમિયાન યોજાયેલી ક્વિઝમાં કુલ ૩,૦૦૦ થી પણ વધુ પ્રશ્નોના જવાબ આપી સ્પર્ધકો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયા હતા.

તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ અઠવાડિયુ પુરૂ થતા આવતીકાલ તા. ૧૭મી જુલાઇથી બીજા અઠવાડિયાની ક્વિઝ સ્પર્ધા શરૂ થશે. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ અને ત્યારબાદ જિલ્લા અને રાજ્યકક્ષાએ યોજાનાર ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને ૨૫ કરોડથી પણ વધુના ઇનામો અને સ્ટડી ટુર આપવામાં આવશે.

મંત્રીશ્રી વાઘાણીએ પ્રથમ અઠવાડિયાના વિજેતા બનેલા ૬,૫૧૦ સ્પર્ધકો તેમજ જીત્યા નથી છતા સારી સંખ્યામાં જવાબ આપનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં આવા વરસાદી માહોલ વચ્ચે પણ પ્રથમ અઠવાડિયામાં મળેલા બહોળા પ્રતિસાદે અમારા ઉત્સાહમાં વધારો કર્યો છે તેમ કહી મંત્રીશ્રીએ આગામી અઠવાડિયામાં નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લે તેવો અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.