Western Times News

Gujarati News

કેમિકલ કાંડમાં રોજીદ ગામના 12 લોકોના મોત બાદ લોકોએ લીધો આવો નિર્ણય

રોજીદ ગામના લોકોએ દારૂ નહીં પીવાનાં શપથ લીધા-શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં દારૂ નહીં પીવાનો ર્નિણય લઈ આસપાસના ગામોને ર્નિણયને અનુસરવા અપીલ કરાઈ

રોજીદ,  બોટાદમાં આવેલા બરવાળા ગામમાં ગઈ ૨૫ જુલાઈના રોજ ઝેરી દારુકાંડ થયો હતો. એ પછી રોજીદ સહિતના આસપાસના ગામોમાં પણ ઝેરી દારુકાંડ સર્જાયો હતો. આ ઝેરી દારુકાંડમાં અત્યાર સુધીમાં ૪૯ જેટલાં લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ ઝેરી દારુકાંડમાં રોજીદ ગામના ૧૨ લોકોનાં મોત થયા હતા.

ત્યારે રોજીદ ગામના લોકો માટે નવી સવારનો પ્રારંભ થયો છે. રોજીદ ગામના લોકોએ ભેગા થઈને એક મોટો ર્નિણય લીધો છે. દારુને લઈ ગ્રામજનો દ્વારા લેવાયેલા ર્નિણયની ચારેકોર વાહવાહી થઈ રહી છે.

ગઈ રાત્રે રોજીદ ગામની પ્રાથમિક સ્કૂલમાં બરવાળા, રાણપુર અને ધંધુકાના મૃતકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનોએ દારુને લઈને એક મહત્વનો અને મોટો ર્નિણય લીધો છે.

કહેવાય છે કે, જાગ્યા ત્યારથી સવાર. ત્યારે લઠ્ઠાકાંડમાં રોજીદ ગામમાં ૧૨ જેટલાં લોકોનાં મોત થયા હતા. એ પછી ગ્રામજનો માટે આજે એક નવી સવારનો પ્રારંભ થયો છે. દારુના દૂષણને ડામવા માટે ગ્રામજનોએ એક મહત્વનો ર્નિણય લીધો છે. રોજીદ ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલમાં ગામના લોકો એકત્ર થયા હતા.

અહીં એકત્ર થઈને તેઓએ રોજીદ, રાણપુર અને ધંધુકા તાલુકાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાદમાં ભજન-ર્કિતન પણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન રોજીદ ગામના લોકોએ દારુ નહીં પીવાના શપથ લીધા હતા. ગામના સરપંચે લોકોને દારુ નહીં પીવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કારણ કે ઝેરી દારુકાંડમાં રોજીદ ગામના ૧૨ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આખરે ગામના લોકો જાગ્યા છે.

ગામના લોકોએ એવો પણ નિર્ધાર કર્યો છે કે, તેઓ દારુ નહીં પીવે અને ગામમાં કોઈને દારુ વેચવા પણ નહીં દે. આ સિવાય રોજીદ ગામના લોકોએ આસપાસના ગામના લોકોને પણ આવી પ્રતિજ્ઞા લેવા માટે અપીલ કરી છે. રોજીદ ગામના સરપંચ જીગર ડુંગરાનીએ જણાવ્યું કે, અમારા ગામના લોકોએ શપથ લીધા છે કે આજથી કોઈએ દારુ પીવો નહીં.

જાે કોઈ બહારથી દારુ પીને આવે તો તેને અટકાવવો. હું એવું ઈચ્છું છું કે ફક્ત મારા ગામમાં જ નહીં પણ આસપાસના ગામના લોકો પણ આવો ર્નિણય લે. તો આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અમિત ચાવડાએ કહ્યું કે, લોકોમાં જાગ્રૃતિ લાવવાનું કામ સરકારનું છે.

પરંતુ સરકારનું આ કામ રોજીદ ગામના લોકોએ ઉપાડ્યું છે. રોજીદ ગામના લોકોએ દારુ નહીં પીવાની પ્રતિજ્ઞા લઈને એક સુંદર દાખલો સમાજમાં બેસાડ્યો છે. આ ગામનો દાખલો ગુજરાતે લેવો જાેઈએ. સરકારે પણ આ ગામમાંથી શીખ લેવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.