Western Times News

Gujarati News

સંતરામપુરના માનગઢ હીલ ખાતે હર ઘર તિરંગાનો પ્રારંભ કરાવતા કેન્‍દ્રિય સંસ્‍કૃતિમંત્રી અર્જુનરામ મેઘવાલ

અંગ્રજો સામે આપેલા બલિદાન અને આઝાદી જંગના ભીલોના ભેરૂ એવા ગોવિંદ ગુરૂની ચળવળ સમાન માનગઢ હીલએ ઐતિહાસિક ધરોહર છે – કેન્‍દ્રિય મંત્રી અર્જુનરામ મેઘવાલ

ગુજરાત-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલ ગુજરાત રાજયના  સંતરામપુર તાલુકાના માનગઢ હીલ ખાતે હર ઘર તિરંગાનો પ્રારંભ કરાવતા કેન્‍દ્રિય સંસ્‍કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલ

શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઇ ડીંડોરની પ્રેરક ઉપસ્‍થિતિ 

ગોધરા,સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં તા. ૧૩ થી ૧પ હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે આજે વહેલી સવારે ઉગતા સૂર્યના કિરણોના ખુશનુમાભર્યા વાતાવરણમાં ગુજરાત-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલ સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ હીલ ખાતે કેન્‍દ્રિય સંસ્‍કૃતિ  મંત્રી અર્જુનરામ મેઘવાલે તિરંગાને લહેરાવી સલામી આપીને હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો હતો.

કેન્‍દ્રિય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં માનગઢ હીલ ખાતે તિરંગાને લહેરાવ્‍યા બાદ જણાવ્‍યું હતું કે અહીં ગુરૂ ગોવિંદની ધૂણી, સંગ્રહાલય અને સ્‍મારક છે જે આદિવાસી માટે આસ્‍થા અને શ્રધ્‍ધાનું કેન્‍દ્ર બન્‍યું છે. દેશની આઝાદીની ચળવળમાં આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી અને ૧પ૦૭ આદિવાસીઓએ તેમના પ્રાણોની આહૂતિ આપી તે સ્‍થાન આજે ઐતિહાસિક ધરોહર સમાન હોવાનું જણાવ્‍યું હતું.

મેઘવાલે ગુરૂ ગોવિંદે આદિવાસીઓને ભકિત સાથે ભણતરનો મંત્ર બનાવી કુરિવાજો ત્‍યજીને સંસ્‍કારોનું સિંચન કરવાનું મોટું કામ કર્યું હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં હર ઘર તિરંગા એ કોઇ પક્ષ કે સરકારનો કાર્યક્રમ નહીં પણ દેશનો કાર્યક્રમ હોવાનું જણાવી દેશનો પ્રત્‍યેક નાગરિક આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રાએ દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભે-ખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થાય તે માટેનો કાર્યક્રમ હોવાનું ઉમેર્યું હતું.

કેન્‍દ્રિય મંત્રી શ્રી મેઘવાલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે, ત્‍યારે રાષ્‍ટ્રએ ૭પ વર્ષમાં શું કર્યું તેનું વિશ્લેષણ કરી આગામી રપ વર્ષ પછી જયારે રાષ્‍ટ્ર આઝાદીની શતાબ્‍દી ઉજવશે ત્‍યરે આગામી વર્ષમાં દેશને વધુ ઉંચાઇએ લઇ જવા સંકલ્‍પ થી સિધ્‍ધિ તરફ લઇ જવાનો સરકારે મંત્ર અપનાવ્‍યો હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે, સમગ્ર દેશમાં એક દેશભાવનાને ઉજાગર કરવા માટે સમગ્ર દેશના હર એક ક્ષેત્રના, હર એક સમાજના લોકો ‘માં ભારતી’ નો જય જય કાર.થવાની સાથે માનગઢ હીલ જે ગુરૂ ગોવિંદના નેતૃત્‍વ હેઠળ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપીને અહીં ધૂણી ધખાવી હતી. તેમ જણાવ્‍યું હતું. તેમણે વધુમાં ગુરૂ ગોવિંદે આદિવાસી શિક્ષણ સાથે સપ્‍તસૂત્રી કાર્યક્રમ આપી આદિવાસીઓને સંદેશો પાઠવ્‍યો હતો કે, મરો તો દેશ માટે અને જીવો તો ગામ માટે આ સૂત્રને સાથર્ક કરવા તેમને અપીલ કરી ઐતિહાસિક ધરોહર સમાન માનગઢ હીલને રાષ્‍ટ્રીય સ્‍મારક તરીકે જાહેર કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

ડીંડોરે વધુમાં દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા ઉમદા હેતુસર આપણે આપણા પોતાના ઘર ઉપર, ધંધા- રોજગારના સ્થળ ઉપર તથા આપણી ઓફીસ ઉપર આપણું માન-સન્માન, આપણું સ્વાભિમાન અને આપણું અભિમાન એવા આપણા તિરંગા રાષ્ટ્રધ્વજને આન-બાન-શાન અને પૂરા માન-સન્‍માન અને રાષ્‍ટ્રધ્‍વજની આચારસંહિતાના પાલન સાથે ફરકાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે મધ્‍યપ્રદેશના પદ્મ શ્રી મહેશ શર્માએ માનગઢ હીલની ધરતી પર ૧૯૦૩માં અંગ્રેજોની ગુલામી નહીં સ્‍વીકારીએ તેનો ઉલ્‍લેખ છે તેના પરથી સ્‍પષ્‍ટ થાય છે કે, અહીં આઝાદીના આંદોલનમાં ભાગ લેનાર આદિવાસીઓને અંગ્રેજોએ ભીષણ હત્‍યાંકાંડ કરતાં ૧પ૦૭ આદિવાસીઓએ તેમના પ્રાણોની આહૂતિ આપી હતી. જે ઇતિહાસને કોંગ્રેસે સ્‍વીકાર્યો નહોતો ત્‍યારે આ ઐતિહાસિક સ્‍થાનની ગૌરવગાથાથી આજની યુવા પેઢી વાકેફ થાય તે માટે આ માનગઢ હીલની ગૌરવગાથાનો અભ્‍યાસક્રમમાં સમાવેશ કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે કેન્‍દ્રિય મંત્રી અર્જુનરામ  મેઘવાલ, શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઇ ડીંડોર સહિત ઉપસ્‍થિત મહાનુભાવોએ ગુરૂ ગોવિંદની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પી ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલિ અર્પી હતી અને પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે ગુજરાત, રાજસ્‍થાનના સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ, સંતરામપુર મામલતદાર સંગાડા, સહિત રાજસ્થાન અને ગુજરાતના નાગરિકોના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.