Western Times News

Gujarati News

ભાનુશાળીની હત્યા કેસઃ મનીષા અને સુરજીતને અમદાવાદ લાવવાની કાર્યવાહી શરૂ

(પ્રતિનિધિ) અમદાવાદ : ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સુત્રધાર મનાતા મનીષા અને સુરજીતની ઉત્તરપ્રદેશમાંથી ધરપકડ કરી બંનેને અમદાવાદ લાવવા માટે ગુજરાત પોલીસે પ્રયાસો શરૂ કરી દીધા છે. બંને આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો મળી છે જેના આધારે આ સમગ્ર હત્યા કેસમાં વધુ કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે તેવુ મનાઈ રહયું છે.

આ અંગેની વિગત એવી છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કચ્છના રાજકારણમાં મોટુ માથુ મનાતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં રેલવે પોલીસ ઉપરાંત ગુજરાત પોલીસની અન્ય એજન્સીઓ પણ તપાસમાં જાડાઈ હતી અને એક પછી એક મહત્વપૂર્ણ વિગતોના આધારે આરોપીઓની ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

જેમાં સૌ પ્રથમ જયંતિ ભાનુશાળીની હત્યા કરનાર બંને શાર્પ શુટરોની ધરપકડ કરવામાં આવતા જ તેઓની પાસેથી મળેલી વિગતોના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બંને આરોપીઓએ કરેલી કબુલાતના આધારે આ કેસમાં મુખ્ય સુત્રધાર તરીકે મનીષા તથા સુરજીત ભાઉ અને અન્ય એક શખ્સનું નામ ખુલ્યુ હતું

જેના આધારે તપાસનીશ અધિકારીઓએ આ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. સાયબર સેલની મદદથી આરોપીઓના ફોન નંબરના આધારે સતત વોચ રાખવામાં આવતી હતી અને આ દરમિયાનમાં મનીષા અને સુરજીત ભાઉ ઉત્તર પ્રદેશમાં આશ્રમની અંદર વેશ પલ્ટો કરી સંતાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી જેના આધારે ગુજરાત સીઆઈડી ક્રાઈમ તથા રેલવે પોલીસના અધિકારીઓ તથા અન્ય એજન્સીના અધિકારીઓ સંયુક્ત રીતે તપાસ કરી આશ્રમમાંથી મનીષા અને સુરજીતને ઝડપી લીધા હતા.

બંને આરોપીઓ ઝડપાઈ જતા તપાસનીશ ટીમોએ હાશકારો અનુભવ્યો છે. જાકે હજુ પણ આ કેસમાં સુત્રધાર મનાતા એક રાજકીય નેતાની શોધખોળ ચાલી રહી છે. ઝડપાયેલા મનીષા અને સુરજીતની પુછપરછ કરાતા આ સમગ્ર ષડયંત્રની ચોક્કસ વિગતો મળી આવી છે અને તેના આધારે હવે અન્ય આરોપીઓની પણ ટુંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે તેવુ મનાઈ રહયું છે.

ગુજરાત પોલીસના અધિકારીઓ મનીષા અને સુરજીતને અમદાવાદ લાવવા માટે સ્થાનિક કક્ષાએ કાયદાકિય કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ટુક સમયમાં જ આ બંને આરોપીઓને અમદાવાદ લાવી પુછપરછ શરૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.