Western Times News

Gujarati News

ઝઘડિયા GIDCની કંપનીઓ દ્વારા ફળવાતી CSRની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર ?

પ્રતિકાત્મક

વિવિધ ગામોને ફળવાયેલ ગ્રાન્ટની તપાસ કરવા જીલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી

(પ્રતિનિધી), ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા સામાજિક જવાબદારી (સીએસઆર) અંતર્ગત વિવિધ ગામોએ જાહેર કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે.

જીઆઈડીસીની કંપનીઓ દ્વારા ફળવાતી સીએસઆરની રકમ પૈકીની મોટાભાગની રકમ ચાઉ થઈ જતી હોવાની ચર્ચાઓ લાંબા સમયથી તાલુકામાં ઉઠી રહી છે.ત્યારે તાલુકાના તલોદરા ગામના ગણપતભાઈ પટેલ નામના એક જાગૃત નાગરીકે ભરૂચ જીલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને ઝઘડિયા જીઆઈડીસી દ્વારા જાહેર સાહસોની સામાજિક જવાબદારી (સીએસઆર) ના ભાગરૂપે વિવિધ ગામોને ફાળવેલ ગ્રાન્ટની તપાસ કરવા માંગ કરી હતી.

રજુઆતમાં જણાવાયા મુજબ ઝઘડિયા જીઆઈડીસીની સ્થાપના માટે તાલુકાના તલોદરા, સેલોદ, ફુલવાડી, કપલસાડી, સરદારપુરા , દધેડા, લીમેટ, રંદેડી જેવા ગામોના ખેડૂતોએ પોતાની ખેતીની જમીનો આપી હતી.સ્થાનિકોને નોકરી આપવાની શરતે ખેડૂતોએ પોતાની આજીવિકા નું સાધન એવી ખેતીની જમીનો આપી હતી એમ જણાવાયું હતું.

પરંતુ તેનો હજુ કોઈ અમલ થયો નથી.ઉલ્લેખનીય છે કે સ્થાનિકોની તુલનાએ પરપ્રાંતિયોને નોકરીમાં લેવાની ઉધોગ માલિકોની નિતીને લઈને ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ થાય છે.વળી જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો દ્વારા સીએસઆર ફંડ હેઠળ આસપાસના ગામોએ વિવિધ સગવડો માટે અનુદાન અપાતા હોય છે,

ખરેખર આવા ફંડની રકમ જેતે ગ્રામ પંચાયતને આપવાની હોય અને પંચાયતો દ્વારા તેને લગતો રકોર્ડ રાખવાનો હોય છે,પરંતું ઘણી ગ્રામ પંચાયતો દ્વારા સીએસઆર ની રકમ પંચાયત ભંડોળમાં લેવામાં આવી નથી તેમજ કેટલીક ગ્રામ પંચાયતોમાં જેતે કામને લગતી ભૌતિક સુવિધાઓ પુરી પણ પાડવામાં નથી આવી !

રજુઆતમાં આક્ષેપ કરાયો હતો કે કેટલાક કહેવાતા કામોની રકમ જેતે ગામો માટે ફાળવેલ હોવા છતાં આવા કામો કે રકમ ગ્રામ પંચાયતમાં જમા લેવામાં આવેલ નથી,જેથી આવી રકમ બારોબાર ચાઉ કરાઈ ગઈ હોવાનુ જણાવી તેને માટે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી હતી.

આવા કથિત નાણાકીય કૌભાંડો સંદર્ભે વર્ષ ૧૯૯૩ થી અત્યાર સુધી કઈ ગ્રામ પંચાયતોને કયા કામો માટે સીએસઆર ફંડ હેઠળ રકમ ફળવાઈ હતી તેની તપાસ કરી તેજ કામો ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયત દ્વારા સરકારી ગ્રાન્ટ માંથી કરવામાં આવેલા કામોની રેકર્ડ આધારિત ચકાસણી કરવા રજુઆતમાં માંગ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.