Western Times News

Gujarati News

દેશની તમામ જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ ગૃહમંત્રી

૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-૨૦૨૨નું  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન

દેશના વડાપ્રધાને વર્ષ 2016માં આપેલું મોડેલ જેલ મેન્યુઅલ તમામ રાજ્યો અપનાવે -આગામી 6 માસમાં મોડેલ એકટ લવાશે.

રાજ્યની જેલોમાં અનેકવિધ સુધારા કરીને જેલોને સફળ તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરિત કરી છે  ઇ-મુલાકાત, ઇ-કોર્ટ, ઓડિયો લાઈબ્રેરી દ્વારા કેદીઓમાં સંસ્કાર સિંચન

ગુજરાતમાં યોજાઈ રહેલી ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-૨૦૨૨’નો ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે, જેલ પ્રશાસનએ સમાજ વ્યવસ્થા જાળવવાનું મહત્વનું અંગ છે, ત્યારે જેલ સુધારણા અને તેના દ્વારા કેદીઓનું પુનર્વસન થાય તે પણ એટલું જ
જરૂરી છે.

વર્તમાન કેન્દ્ર સરકારે જેલ સુધારણાને અગ્રિમતા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું. આ ત્રિ-દિવસીય ૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-૨૦૨૨’માં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦૩૧ જેલ અધિકારીઓ-કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે.

છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટનો પ્રારંભ  કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અગાઉ અમલી એવા જેલ મેન્યુઅલના બદલે વર્ષ ૨૦૧૬માં મોડેલ જેલ મેન્યુઅલ કાર્યાન્વિત કર્યું છે. જો કે દેશના ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેને અપનાવ્યું છે. દેશના તમામ રાજ્યો આ મોડેલ જેલ મેન્યુઅલ અપનાવે તો સુધારાત્મક બાબતો પણ સમાવાયેલા આ મેન્યુઅલથી કેદીઓના પુનર્વસનનો પરિણામલક્ષી અમલ થઈ શકશે.

કેન્દ્ર સરકાર આગામી ૬ માસમાં મોડેલ એકટ લાવશે અને તેના પગલે દેશની તમામ જેલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે એમ તેમણે કહ્યું હતું.

જેલો પ્રત્યે અલગ દ્રષ્ટિકોણ અપનાવવાના અભિગમનો ઉલ્લેખ કરી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, દરેક રાજ્ય અને જિલ્લામાં કોર્ટ દ્વારા કેસોના નિકાલ માટે વીડિયો કોન્ફરન્સની સુવિધા હોવી જોઈએ એ સમયની માંગ છે. સાથે સાથે નારકોટિકસ તેમજ કટ્ટર ગુનાહિત માનસિકતા ધરાવતા કેદીઓને અલગ રાખવા જોઈએ.

જેલમાં વધુ પ્રમાણમાં કેદીઓ હોય તે સ્થિતિ યોગ્ય નથી ત્યારે જેલ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ તેમ એમણે જણાવ્યું હતું.

આ  મીટને બિરદાવતા શ્રી અમિત શાહે કહ્યું હતું કે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એકમ એ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે મહત્વનું એકમ છે ત્યારે આ એકમ દ્વારા યોજાયેલી મીટ જેલોના અધિકારી-કર્મચારીઓની સકારાત્મક પ્રતિસ્પર્ધા અને ખેલ ભાવના વિકસાવવાનું માધ્યમ બનશે.

જેલનો દરેક કેદી જન્મથી ગુનેગાર હોતો નથી, પરંતુ સંજોગોવસાત આચરેલા ગુનાને કારણે જેલ ભોગવતો હોય છે. તેમની સાથેનો સદભાવનાપૂર્ણ વ્યવહાર પણ જરૂરી છે એમ તેમણે ક્હ્યું હતું.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે ત્યારે જેલ પ્રશાસન પણ આ પ્રકારની મીટ યોજીને ફિટ ઇન્ડિયાના મંત્રને સાકાર કરવા કટિબદ્ધ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના મહેમાન બનેલા વિવિધ રાજ્યોના જેલ અધિકારીઓ-કર્મચારીઓને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સોમનાથ- દ્વારકાની મુલાકાતનું આહવાન કરી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ મીટમાં સહભાગી થયેલા તમામ લોકો માટે મુલાકાતની વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે. સાથે સાથે સમગ્ર આયોજનને પ્રશંસનીય ગણાવી તેમણે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય પોલીસ દળના જેલ વિભાગ અને ભારત સરકારના બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ ગુજરાતમાં યોજાઇ રહી છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનનો એક નવો યુગ શરૂ થયો છે. એના જ પરિણામે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને છેલ્લા ૮ વર્ષથી ગુડ ગવર્નન્સનો અનુભવ કરી રહ્યો છે તેમ એમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્ર સાથે  શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાત અને દેશમાં સર્વાંગી વિકાસની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે. સાથે સાથે જેલ સુધારણાની પ્રવૃત્તિઓને વેગ આપવા સાથે દેશના રાજ્યોની જેલના અધિકારી-કર્મયોગી ભાઇઓ-બહેનો માટે કલ્યાણકારી અભિગમ પણ અપનાવ્યો છે. આ મીટ દ્વારા જેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં સ્પિરિટ વિકસાવવા સાથે અનેકતામાં એકતાનો ભાવ પણ ઊજાગર કરવાનો આ પ્રયાસ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, જેલમાં રહેલા કેદીઓ તેમજ તેમની દેખરેખ રાખતા કર્મચારીઓ-અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને શાંતિમય માહોલ થકી જેલ સુધારણા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ આગવી પહેલ કરી છે. એટલું જ નહીં  શ્રી અમિતભાઇ શાહે વિવિધ સંસ્થાઓ દ્વારા કેદીઓને તાલીમ અને ટેકનોલોજીના ઇનોવેટીવ ઉપયોગથી પ્રિઝન એડમિનિસ્ટ્રેશન માટેનો નવો રાહ દેશને ચીંધ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે  રાજ્યની જેલોમાં અનેક પ્રભાવી સુધારા કરીને જેલોને સફળ તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરીત કરી છે. કેદીઓ માટે ઈ-મુલાકાત, ઈ-કોર્ટ, ઓડિયો લાઈબ્રેરી, જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવી કેદીઓમાં સંસ્કાર પ્રસરાવવાની વિવિધ પ્રવૃતિઓને પ્રાધાન્ય આપ્યું છે.

પ્રિઝન ડ્યુટી મીટ જેવી ઈવેન્ટ જેલ-વ્યવથાપન સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓમાં ખેલદીલી અને પરસ્પર સમન્વયની ભાવનાનો વિકાસ કરશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જેલ-વ્યવસ્થાપનની કાર્યક્ષમતામાં વધારો કરતી સ્પર્ધાના આયોજન માટે ગુજરાત બીજીવાર  યજમાની કરી રહ્યું છે તે બાબત ગૌરવરૂપ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ૫૦ કારાગાર પ્રશિક્ષણ નિયમાવલી તથા જેલ કૉફી ટેબલ બુકનું વિમોચન કેન્દ્રીય ગૃહ મંત્રી
શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યુ હતું.

આ અવસરે બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)ના વડા શ્રી બાલાજી શ્રીવાસ્તવે ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના અધિક પોલીસ મહાનિદેશક શ્રી કે.એલ.એન. રાવે આભારવિધિ કરી હતી.

ઉદધાટન સમારંભમાં ગુજરાત રાજ્યના ગૃહ અને મહેસૂલ મંત્રી શ્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લા, ગુજરાતના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા સહિત વિવિધ રાજ્યોના જેલ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ૬ઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ- ૨૦૨૨નું આયોજન ગુજરાત પોલીસના જેલ વિભાગ તથા બ્યુરો ઓફ પોલીસ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ (BPR&D)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

પંદર વર્ષ પછી ગુજરાતને આ મીટ માટે ફરી યજમાન પદ પ્રાપ્ત થયું છે. આ મીટમાં ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજિત ૧૦૩૧ જેલ અધિકારીઓ તથા કર્મચારીઓ વિવિધ ૧૮ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે.

૬ઠ્ઠી ‘ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ-૨૦૨૨’માં કુલ ૧૮ પ્રકારની સ્પર્ધાઓ યોજાવાની છે. ક્વિઝ કોમ્પિટિશન, અનઆર્મ્ડ કોમ્બેટ, ફર્સ્ટ એડ કોમ્પિટિશન, હેલ્થ કેર કોમ્પિટિશન, કોમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી કોમ્પિટિશન, વન મિનિટ ડ્રિલ કોમ્પિટિશન, પ્રિઝન બિઝનેસ મોડલ કોમ્પિટિશન, ફાઇન આર્ટસ એન્ડ મ્યુઝિક કોમ્પિટિશન, પ્રિઝન હાઇઝિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર, મેડિકલ ઓફિસર એન્ડ વેલફેર ઓફિસર કોમ્પિટિશનનો તેમાં સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગેમ્સમાં વોલિબોલ, કબડ્ડી તેમજ ૧૦૦ મીટર મેન એન્ડ વિમેન, ૪૦૦ મીટર મેન એન્ડ વિમેન, લોંગ જમ્પ મેન એન્ડ વુમેન, હાઇ જમ્પ મેન એન્ડ વિમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ રમતોની સાથે સાથે જેલ સંબંધિત બાબતોની પણ સ્પર્ધાઓ યોજાવાની છે.

આ વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં રાજ્યના ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ઉપરાંત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ, રમતગમત ક્ષેત્રનાં સંગઠનો તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સહભાગી બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.