Western Times News

Gujarati News

મહિલાએ પીએસઆઈને લાફો મારતા ખળભળાટ

અમદાવાદ, શહેરમાં એક મહિલાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને થપ્પડ મારી દીધાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરના રખિયાલ વિસ્તારમાં આરોપીઓ સામે થયેલી અરજીને લઈને પોલીસે અટકાયતી પગલાંની કાર્યવાહી કરી હતી. જે બાદમા આરોપી મહિલા પોલીસ સ્ટેશન પર પહોંચી હતી.

પોલીસ સ્ટેશન ખાતે કેમ મારા પિતા અને ભાઈની ધરપકડ કરી છે તેમ કહીને તેણીએ પોલીસ સાથે રકઝક કરી હતી તેમજ બીભત્સ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે હાજર પીએસઆઇને લાફો મારી દીધો હતો.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ, સાસુ-સસરા વિરુદ્ધમાં અરજી કરી હતી. મહિલાનો આક્ષેપ છે કે તેના પતિ, સાસુ અને સસરા તેને સારી રીતે રાખતા નથી અને ઝઘડો કરીને હેરાન પરેશાન કરે છે. જે અરજીની તપાસ ચારોડિયા પોલીસ ચોકી અને મોનોગ્રામ પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ વી.બી.વાઘેલાને સોંપવામાં આવી હતી.

આરોપી પિતા-પુત્ર અરજદાર સાથે તોફાન કે તકરાર કરી સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે તેમની વિરુદ્ધમાં અટકાયતી પગલાંની કાર્યવાહી કરી હતી.

આ દરમિયાન શાહીન બાનુ નામની મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી બીભત્સ ગાળો ભાંડી હતી. આ ઉપરાંત કેમ મારા પિતા અને ભાઈની ધરપકડ કરી છે તેમ કહીને પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.

જાેકે, સ્થળ પર હાજર પીએસઆઇ તેઓને સમજાવવા જતા જ મહિલાએ પીએસઆઇનો કોલર પકડી લીધો હતો અને ગાલ પર થપ્પડ મારી દીધી હતી. આ મામલે પોલીસે આરોપી મહિલાની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પોલીસ સાથે મારામારીના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. નરોડામાં પોલીસ કર્મચારી અને ટીઆરબીના જવાન સાથે મારામારી બાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી વિરૂદ્ધ ધરપકડ વોરંટ બજાવવા ગયેલી પોલીસ સાથે ગેરવર્તણૂકનો બનાવ સામે આવ્યો હતો. હવે મહિલાએ પીએસઆઇને લાફો મારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.

હજુ ચાર દિવસ પહેલા જ અમદાવાદમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ લિસ્ટેડ બુટલેગર ગાડી લઈને નીકળતા હોવાની શંકાના આધારે કારનો પીછો કરી રહ્યા હતા.

આ દરમિયાન બુટલેગરોએ ગાડી રોકી પોલીસ કર્મચારીઓ સાથે બબાલ કરી હતી. એટલું જ નહીં, પોલીસને ધમકી આપી પથ્થરમારો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હથિયારો સાથે તૂટી પડેલા બુટલેગરોના મારથી એક પોલીસ કર્મચારીને નાકના ભાગે ગંભીર ઇજાઓ થતા ઓપરેશન કરાવવાનો વારો આવ્યો છે.

સમગ્ર બાબતને લઈને આઠ લોકો સામે આઇપીસી ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૩૩, ૩૩૬, ૩૨૫, ૪૨૭, ૩૦૭ અને જીપી એક્ટ ૧૩૫(૧) જેવી કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.