Western Times News

Gujarati News

તારો પતિ દર છ મહિને અલગ અલગ યુવતીઓ સાથે લગ્ન કરે છે

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આરોપ લગાવ્યા છે કે, લગ્ન બાદ તેને ગર્ભ રહ્યાની જાણ થતાં પતિએ આણંદ લઈ જઈ ગર્ભપાત કરાવ્યો હતો. બીજી વાર ગર્ભ રહ્યા બાદ યુવતીએ ગર્ભપાતના ડરથી પતિને ખુશખબરી આપી નહોતી. પણ સાતમા મહિને જાણ થતા પતિએ ગર્ભપાત કરાવવાનું કહી ભાવનગર જતો રહ્યો હતો.

બીજી વાર રહેલા ગર્ભથી યુવતીએ દીકરાને જન્મ આપતા પતિએ તેનો દીકરો ન હોવાનું કહી તરછોડી દીધી હતી. મૂળ જયપુરની અને હાલ સરખેજમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના લગ્ન ભાવનગર ખાતે રહેતા યુવક સાથે વર્ષ ૨૦૨૦માં થયા હતા. યુવતીનો પતિ ભાવનગરમાં ઓઇલ પેટ્રોલિયમનો બિઝનેસ કરે છે.

લગ્ન બાદ યુવતી દસેક દિવસ સાસરે રહી હતી બાદમાં પિયર આવી હતી. દોઢેક માસ બાદ યુવતીના પતિએ પ્લેનની ટિકિટ મોકલી આપી અમદાવાદ બોલાવી હતી.

બાદમાં જુહાપુરામાં રાખેલા ભાડાના મકાનમાં તેને રાખી હતી. યુવતીએ ભાવનગર સાસરે જવાનું કહેતા પતિએ થોડા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય પછી જઈશું તેમ જણાવ્યું હતું.

યુવતીનો પતિ વધુ ભાવનગર રહેતો હોવાથી નણંદ અને અન્ય લોકોને યુવતીએ સાસરે સાથે રાખવાનું કહેતા તે લોકોએ યુવતીને કહ્યું કે, તેનો પતિ દર છ મહિને અલગ અલગ યુવતીઓ સાથે લગ્ન કરે છે, તારે ત્યાં રહેવું હોય તો માતા પિતાને અલગ મકાન લઈ આપવાનું કહી દે. થોડા સમય બાદ યુવતીને ગર્ભ રહ્યો હતો.

પણ સાસરિયાઓ તેને ગર્ભપાત કરાવવા દબાણ કરતા હતા અને પતિ આ વાતને લઈ માર પણ મારતો હતો. બાદમાં પતિએ ઓળખીતી એક મહિલા કે જે આણંદ રહેતી હતી તેની સાથે મળી યુવતીને ભાવનગર લઈ જઈ એક હોટલમાં રાખી હતી.

બાદમાં આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે એક હોસ્પિટલમાં લઈ જઈ પતિએ સહીઓ કરાવી ગર્ભપાત કરાવી દીધો હતો. બાદમાં યુવતી અમદાવાદ રહેવા આવી હતી અને તેના ઘરના લોકોને ગર્ભપાતની જાણ થઈ પણ દીકરીનું ઘર બચાવવા કોઈ ફરિયાદ નહોતી કરી.

બાદમાં યુવતીની નણંદ પતિ પાસે છૂટાછેડા લેવાનું કહી માર મારતી હતી. ફરી એક વાર યુવતીને ગર્ભ રહેતા તેણે ગર્ભપાત ના ડરથી પતિને કહ્યું નહોતું. પણ ચોથા મહિને જાણ થતા પતિએ ગર્ભપાત ની વાત કરી હતી. યુવતીને રહેલા ગર્ભ ના સાતમા મહિને તેનો પતિ તેને છોડી ભાવનગર જતો રહ્યો હતો. બાદમાં યુવતીએ એક દીકરાને જન્મ આપતા તેના પતિએ દીકરો તેનો ન હોવાનું કહી તેને તરછોડી દીધી હતી.

જેથી સમગ્ર મામલે યુવતીએ ચાર લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગર્ભપાત અને માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.