Western Times News

Gujarati News

પેટલાદમાં ટાઉનહોલના કામનુ કોકડું ગુંચવાયું

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદમાં ગોળવાળા વણિક પરિવાર દ્વારા વર્ષો પહેલા ટાઉનહોલ બનાવવા દાન કર્યું હતુ. જેથી પેટલાદમાં ગોળવાળા ટાઉનહોલ બન્યો હતો. સમય જતા આ ટાઉનહોલ જર્જરીત થઈ ગયો હતો. જેથી ટાઉનહોલના વહિવટ કરતા નગરપાલિકાએ નવીનીકરણ માટે સરકારમાં દરખાસ્ત કરી હતી.

આ દરખાસ્તના આધારે સરકારે નવા ટાઉનહોલ માટે આગવી ઓળખ હેઠળ રૂપિયા ચાર કરોડ મંજૂર કર્યા હતા. આ રકમ પેટે રૂપિયા એક કરોડ જેટલી રકમ પેટલાદ પાલિકાને એક વર્ષ અગાઉથી મળી ગયેલ છે. પરંતુ પાલિકાના અનઘડ વહિવટ અને બેદરકારીને કારણે ટાઉનહોલનું કામ હજી સુધી શરૂ થઈ શક્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટાઉનહોલના કામ માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા થઈ હોવા છતા હજી ત્રીજી વખત ટેન્ડરીંગ કરવાના સંજાેગો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં સાંસ્કૃતિક, રમત – ગમત, ગીત – સંગીત વગેરે જેવા કાર્યક્રમોના આયોજન થકી યુવા પેઢી આગળ વધી શકે તેવા હેતુસર ગોળવાળા વણિક પરિવાર દ્વારા ટાઉનહોલ બનાવવામાં આવ્યો હતો.

આ ટાઉનહોલમાં વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાતા હતા. સમયજતા ટાઉનહોલની જર્જરીત હાલત થતા નવીનીકરણ કરવુ જરૂરી બન્યું હતુ. જેથી પેટલાદ પાલિકાએ તા.૩૦ ઓક્ટોબર ર૦૧૮ની સામાન્ય સભામાં ઠરાવ નં.૬૬થી ટાઉનહોલના નવીનીકરણનું કામ મંજૂર કર્યું હતુ. ત્યારબાદ તા.૧૭ જાન્યુઆરી ર૦૧૯ના રોજ આ કામ માટે તાંત્રિક મંજૂશ્રી મળી હતી.

જેથી પાલિકાએ તા.૧ માર્ચ ર૦૧૯ના રોજ વડોદરા સ્થિત રિજીયોનલ કચેરી ખાતે દરખાસ્ત મોકલી આપી હતી. જેનો સૈદ્ધાંતિક સ્વિકાર તા.૬ માર્ચ ર૦૧૯ના રોજ થયો હતો. સરકારની આગવી ઓળખ અંતર્ગત ટાઉનહોલના નવીનીકરણ માટે રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ મંજૂર થયાનો હુકમ જીએમએફબી દ્વારા તા.ર૬ જૂન ર૦૧૯ના રોજ પાલિકાને મળ્યો હતો.

આ ગ્રાન્ટની રકમ રીલીઝ કરવા પાલિકાએ રીજીયોનલ કચેરીને તા.૧૬ ઓગસ્ટ ર૦૧૯ના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આ રજૂઆતના ૬ માસ બાદ તા.ર૬ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સદર કામની દરખાસ્ત નવેસરથી કરવા પાલિકાને સુચના મળી હતી. જેથી પાલિકાએ તા.ર૯ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ વહિવટી મંજૂરી આપવા દરખાસ્ત મોકલી આપી હતી.

છતા રીજીયોનલ કચેરી દ્વારા દરખાસ્તનો પ્રત્યુતર ના મળતા એપ્રિલ ર૦ર૧માં વહિવટી માટે પુનઃ માંગણી કરી હતી. અંતે ગુજરાત મ્યુનીસીપાલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગરના હુકમથી વડોદરા સ્થિત પ્રાદેશિક કચેરીએ તા.ર૮ મે ર૦ર૧ના રોજ ટાઉનહોલના નવીનીકરણ માટે કેટલીક શરતોને આધીન વહિવટી મંજૂર કરવામાં આવી હતી.

જે પેટે પેટલાદ પાલિકાને આ ગ્રાન્ટના પ્રથમ તબક્કાની રકમ રૂપિયા એક કરોડ ફાળવવામાં આવી હતી. પરંતુ હજી સુધી ટાઉનહોલના કામનો પ્રારંભ થયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચારેક વર્ષથી ટાઉનહોલના અભાવને કારણે અનેક કાર્યક્રમો, મિટીંગો, સભાઓ વગેરે માટે શહેરીજનોને અન્ય સ્થળો માટે તગડી રકમ ચૂકવવી પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.