Western Times News

Gujarati News

નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગમાં ગુજરાત માટે યશાયા સાધશે ગોલ્ડ પર નિશાન

યશાયાએ જુનિયર મહિલા ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિકસ 2021માં સિલ્વર મેડલ મેળવ્યો હતો

ગુજરાત ખાતે સૌ પ્રથમવાર ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર દરમિયાન યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સમાં  આશરે ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે. અમદાવાદમાં રાઈફ્લ ક્લબ અને ક્રાઉન એકેડેમી ખાતે શૂટિંગ સ્પર્ધાઓ યોજાવાની છે.

જેમાં ટ્રેપ શૂટિંગની ઇવેન્ટસ્ માં પુરુષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ ૧૬-૧૬ ખેલાડીઓ ક્રાઉન એકેડેમી ખાતે ભાગ લેવાના છે.

ગુજરાતમાંથી આ વખતે ૧૬ વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે. ૨૧મી માર્ચ ૨૦૦૬ના રોજ જન્મેલ યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટરે સાવલી તાલુકા રાઈફલ એસોસિએશન, વડોદરા ખાતેથી ટ્રેપ શૂટીંગ રેન્જમાં તેમની શૂટિંગ યાત્રા શરૂ કરી હતી.

પોતાની પ્રથમ સ્પર્ધાત્મક ઇવેન્ટ એવી 38મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધા 2019 માં યશાયાએ ટ્રેપ અને ડબલ ટ્રેપ જુનિયર, સિનિયર અને ટીમ ઇવેન્ટ્સમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ મેળવ્યા હતા. ત્યારબાદ  2019માં જ યશાયાએ વડોદરા ખાતે યોજાયેલી 7મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં શોટગન ઇવેન્ટ માં પણ ગોલ્ડ મેળવ્યો હતો.

ટ્રેપ શૂટિંગને પોતાનું જીવન ધ્યેય બનાવનાર યશાયા સતત ત્રણ વર્ષમાં, તેની 39મી, 40મી અને 41મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી.

દ્રઢ નિશ્ચય, જુસ્સો અને રમત પ્રત્યેના પ્રેમના લીધે જ યશાયાએ  63મી અને 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં શોટગન ઈવેન્ટ્સમાં Double Renowned Shot Certification હાંસલ કર્યું.

2021માં પેરુના લિમા ખાતે યોજાયેલ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં  યશાયાએ જુનિયર મહિલા ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિકસમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સિદ્ધિને બિરદાવતા દાહોદના કલેક્ટરે  15મી ઓગસ્ટ 2022ના રોજ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પર્વ અંતર્ગત યશાયાને ‘સન્માનપત્ર’ એનાયત કરીને બહુમાન કર્યું હતું.

નેશનલ ગેમ્સમાં તારીખ 3, 4 અને 5 ઓક્ટોબર દરમિયાન યશાયા પોતાની ટ્રેપ શૂટિંગ ઇવેન્ટસ્ માં ભાગ લેશે. – મિનેશ પટેલ , પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.