Western Times News

Gujarati News

ગુજરાતના 6 શહેરોમાં ખેલાડીઓ દિવસે રમત અને સાંજે ગરબા રમે તેવું આયોજન

પી.વી.સિંધુ, નિરજ ચોપરા, વી.વી.એસ લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિતના વિખ્યાત રમતવીરોની ઉપસ્થિતિ

‘સ્પોર્ટ્સ કોન્કલેવ- 2022’ -મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નેશનલ ગેમ્સ ઓપનિંગ સેરેમનીની પૂર્વ સંધ્યાએ સંસ્કારધામ ખાતે ખુલ્લો મુક્યો સ્પોર્ટ્સ કોન્કલેવ

આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવના પાયામાં ખેલમહાકુંભ અને નેશનલ ગેમ્સ જેવા આયોજનો

ગુજરાત સરકારના પોલિટિકલ વિલ અને ટીમવર્કથી સૌથી ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન સાકાર-શ્રી હર્ષ સંઘવી –‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ ઓપનિંગ સેરેમની થશે, દેશભરના ખેલાડીઓનો જુસ્સો વધારવા ગુજરાત તૈયાર છે તત્પર છે

“રાષ્ટ્રનિર્માણમાં રમત-ગમતની ભૂમિકા” તથા “નવી શિક્ષણનીતિ અને સ્પોર્ટ્સ – બોડી ફિટ તો માઇન્ડ હિટ” બંને વિષયોને લઈ ચર્ચાસત્ર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘પ્રથમ સ્પોર્ટ્સ કોન્કલેવ-2022’ને સંબોધતા જણાવ્યું હતું કે, રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વનું હોય છે, હારવુ અને જીતવું એ પછીની વાત છે. ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમણે ખેલાડીઓને હિંમત ના હારવાનો જીત મંત્ર આપ્યો હતો.

તેમણે વધુમક જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો પાયો નાંખીને ગુજરાતમાં રમત ગમત ક્ષેત્રે ઉમદા કામ કર્યું છે. આજે ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાએ નામના પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

“જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા”ના સંકલ્પ સાથે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમની પહેલા અમદાવાદના ગોધાવી ખાતે આવેલા સંસ્કારધામ સંકુલ ખાતે સ્પોર્ટ્સ કોનકલેવનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના પોલિટિકલ વિલ અને ટીમવર્કથી સૌથી ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન સાકાર થયું છે.

દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઇચ્છાશક્તિથી સફળ આયોજન કરવા બદલ તેમણે રમત-ગમત વિભાગને વિશેષ અભિનંદન પણ પાઠવ્યા હતા.  તેમણે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો શ્રી નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. વિકસિત રાષ્ટ્ર બનવા માટે રમત-ગમત ક્ષેત્રે વિકાસ અનિવાર્ય છે.

રાજ્યના રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનની શરૂઆતમાં તમામ ખેલાડીઓને ગુજરાતની ધરતી પર આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન તમામ પ્રકારે ખાસ છે. 6 શહેરોમાં દિવસે ખેલાડીઓ ખેલકુદ સ્પર્ધામાં જોડાશે અને સાંજે ગરબા રમશે.

તમામ રમતવીરો માટે આ 10 દિવસ જિંદગીના સૌથી યાદગાર બની રહે તેવું આયોજન રાજ્યની ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં કરી છે. ગુરુવારે ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ ઓપનિંગ સેરેમની થશે, દેશભરના ખેલાડીઓનો જુસ્સો વધારવા ગુજરાત તૈયાર છે તત્પર છે.

શ્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજથી 100 દિવસ પહેલા ઇન્ડીયન ઓલિમ્પિક્સ એસોસિએશનને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નેશનલ ગેમ્સ 2022ની યજમાની આપવા પત્ર લખ્યો હતો. ભૂતકાળમાં અન્ય રાજ્યોને આવા આયોજન માટે વર્ષો લાગતા જ્યારે માત્ર 90 દિવસમાં જ આજે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની માટે સજ્જ છે.

શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સ પહેલા ગ્રામ્ય અને શહેરી એમ વિસ્તારને અનુરૂપ રામતોનું આયોજન કરીને 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ જોડાયા હતા. અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ તેમના દાદા-દાદી સાથે રમતા જોવા મળ્યા. આજે આ આયોજન એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 20 વર્ષ પહેલાંની દીર્ઘદ્રષ્ટિનું સુખદ પરિણામ છે.

કોન્કલેવમાં દેશના ખ્યાતિપ્રાપ્ત ખેલાડીઓ પી.વી.સિંધુ, વી.વી.એસ લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિત ભારતના આંતરરાષ્ટ્રીય રમતવીરો અને સ્પોર્ટ્સ નિષ્ણાતોનું “રાષ્ટ્રનિર્માણમાં રમત-ગમતની ભૂમિકા” તથા “નવી શિક્ષણનીતિ અને સ્પોર્ટ્સ – બોડી ફિટ તો માઇન્ડ હિટ” બંને વિષયોને લઈ ચર્ચાસત્ર યોજાયું હતું.

ઉપરાંત શ્રી મોનલ ચોક્સી, ગગન નારંગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ પ્રધાન, કેન્દ્રીય શિક્ષા વિભાગના અધિક સચિવ શ્રી સંતોષ કુમાર યાદવ અને સ્પોર્ટસ ઉદ્યોગસાહસિકોએ રસપ્રદ ચર્ચા કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સ્પોર્ટ્સ કોમેન્ટેટર શ્રી ચારુ શર્માએ કોન્કલેવ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, ખેલાડીઓ સાથે આગવી શૈલીમાં સ્પોર્ટ્સ વિષયક પ્રશ્નોત્તરી કરીને વાતાવરણને હળવું બનાવ્યું હતું. -ધર્મેશ વાળા & વિવેક ગોહિલ (પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.