Western Times News

Gujarati News

સ્ટેશન પર ટ્રેન ઉભી ના રહેતા પેસેન્જરે રેલવે સામે દાવો માંડ્યો

અમદાવાદ, નિવૃત્ત સરકારી કર્મચારી મૂળજીભાઈ ત્રિમૂર્તિ જ્યારે પોતાના વતન જવા માટે સાબરમતીથી ટ્રેનમાં બેઠા ત્યારે તેઓ જાણતા નહોતા કે આ ટ્રેન તેમના મૂકામ પર ઉભી નહીં રહે. તેમનું સ્ટેશન આવી ગયુ પરંતુ ટ્રેન ઉભી જ ના રહી. ટ્રેન આગામી સ્ટેશન પર ઉભી રહી અને મૂળજીભાઈએ આખરે ત્યાં ઉતરવુ પડ્યુ હતું.

મૂળજીભાઈનો દાવો છે કે, આ ચૂકને કારણે તેઓ જે કાર્યક્રમમાં સામેલ થવા માટે ગામડે ગયા હતા તેમાં હાજર નહોતા રહી શક્યા. મૂળજીભાઈ ત્રિમૂર્તિએ રેલવે સામે દાવો માંડ્યો છે, પરંતુ આ કાર્યવાહી કરવામાં તેઓ મોડા પડ્યા.

તેઓ ફરિયાદ કરવામાં પાંચ વર્ષ મોડા પડ્યા અને હવે તેમની ફરિયાદને અનમેન્ટેબલ જાહેર કરવામાં આવી છે. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અમદાવાદ દ્વારા તેમની ફરિયાદ સાંભળવામાં આવી હતી પરંતુ પછીથી તેને ફગાવી દેવામાં આવી હતી. કેસની વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો, ૧૩ મે, ૨૦૧૪ના રોજ મૂળજીભાઈ ત્રિમૂર્તિએ દેઉસણા ગામ જવા માટે ટિકિટ ખરીદી.

સાબરમતી રેલવે સ્ટેશનથી તે ટ્રેન નંબર ૫૨૯૧૪માં બેઠા હતા, પરંતુ ટ્રેન દેઉસણા રેલવે સ્ટેશન પર ઉભી જ નહોતી રહી. મૂળજીભાઈએ ભોયાણી રેલવે સ્ટેશન જે આગામી સ્ટોપ હતું ત્યાં ઉતરવુ પડ્યુ હતું. તેમનો દાવો છે કે, ત્યાંથી તેમણે રિક્ષા કરીને દેઉસણા પહોંચવુ પડ્યુ હતું.

પરંતુ આ બધામાં તેમનું ફંક્શન મિસ થઈ ગયુ હતું. મૂળજીભાઈએ આ ચૂક બદલ ભારતીય રેલવે પાસેથી ૨૫૦૦૦ રુપિયાની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો કે, જે સ્ટેશનની ટિકિટ તેમણે લીધી હતી ત્યાં ટ્રેન ઉભી ના રહેતા તેમણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

આ ફરિયાદના જવાબમાં રેલવે તંત્રએ જણાવ્યું કે, ૧૦ મે, ૨૦૧૪ના રોજ તેમણે દેઉસણા રેલવે સ્ટેશન બંધ કરી દીધુ હતું. તેના ત્રણ જ દિવસ પછી ફરિયાદીએ તે માર્ગ પર મુસાફરી કરી હતી. અપૂરતી આવકને કારણે રેલવે દ્વારા તે સ્ટેશન બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

હવે ત્યાં સ્ટોપ ના હોવાને કારણે ટ્રેન ઉભી નહોતી રહી. માટે રેલવે તરફથી કોઈ ચૂક નથી થઈ. આ સિવાય રેલવે તરફથી દલીલ કરવામાં આવી કે, આ કેસની સુનાવણી કરવીએ રેલવે ક્લેઈમ ટ્રિબ્યૂનલના અધિકારક્ષેત્રમાં આવે છે.

આ સિવાય નોંધવામાં આવ્યુ હતું કે, મૂળજીભાઈની ફરિયાદ ઘણી મોડી દાખલ કરવામાં આવી હતી. ઘટના બની તેના બે વર્ષમાં તેમણે ફરિયાદ કરવી જાેઈતી હતી. કેસની દલીલો સાંભળ્યા પછી કમિશને જણાવ્યું કે, એક પેસેન્જર તરીકે ફરિયાદીની જવાબદારી હતી કે તેમણે ચોખવટ કરવી જાેઈતી હતી કે ટ્રેન તે સ્ટેશન પર ઉભી રહેવાની છે કે નહીં. તેમણે પૂછપરછ કર્યા વિના જ ટ્રેન પકડી લીધી. માટે અહીં રેલવે તરફથી ચૂક થઈ હોય તેમ જણાઈ નથી રહ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.