Western Times News

Gujarati News

રાજ્યમાં ખેડૂતોના ડેટા સાથે લેન્ડ સિડીંગની ૯૩ ટકા જેટલી કામગીરી પૂર્ણ

પ્રતિકાત્મક

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક -કેન્દ્રીય કૃષિ મંત્રી – રસાયણ – ખાતર અને આરોગ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતી

 વડાપ્રધાનશ્રીએ આપેલા બેક ટુ બેઝિક આહવાનને ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે

૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢી લાખ કિસાનો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે

Ø આઇ-ખેડૂત પોર્ટલ-કિસાન સારથી પ્લેટફોર્મ-ઇ નામ પોર્ટલ જેવા આયામોથી કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીને ગુજરાતે મહત્વ આપ્યુ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા બેક ટુ બેઝિક ના કરેલા આહવાનને ગુજરાતે ઝૂંબેશ રૂપે ઉપાડયું છે.

રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં ર.પ૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા હોવાનો અંદાજ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

દેશમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની સમીક્ષા બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ હતી.

કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર તથા રસાયણ-ખાતર અને આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતીમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તરાખંડ, ત્રિપુરા સહિત દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સતત માર્ગદર્શન આપતા રહ્યા છે.

રાજ્યની ૧૩ હજાર જેટલી ગ્રામ પંચાયતોના સાડા ચાર લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહિ, આદિજાતિ જિલ્લો ડાંગ ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર થયો છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેત પેદાશોના ઉત્પાદનોના વેચાણ માટે દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટીવ મોડેલ વિકસાવવાની પહેલ કરી છે.

કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના ડેટા સાથે લેન્ડ સિડીંગની ૯૩ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે.

આ ઉપરાંત, આઇ ખેડૂત પોર્ટલ, કિસાન સારથી પ્લેટફોર્મ અને ઇ-નામ પોર્ટલ જેવી ટેક્નોલોજીથી રાજ્યના ધરતીપુત્રોને ટેક્નોલોજીના ઉપયોગ તરફ પ્રેરિત કર્યા છે. ખેતરોમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી તેમજ કૃષિ નિયામક શ્રી સોલંકી વગેરે આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.