Western Times News

Gujarati News

G3Q ક્વિઝના 11મા રાઉન્ડમાં 7,199 શાળાઓ અને 2049 કોલેજના વિદ્યાર્થીઓ સામેલ થયા

શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘણીની હાજરીમાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની G3Q લાઈવ ક્વિઝનો શુભારંભ

Ø  ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q ‘ વિશ્વની એકમાત્ર એવી ક્વિઝ જેમાં 27 લાખથી વધુ લોકો જોડાયા હોય

Ø  ‘જ્ઞાન જ સાચી શક્તિ’ છે તે આ ક્વિઝથી સાબિત થયું

Ø  5 ટ્રીલિયનની ઇકોનોમી એટલે આપણા વિદ્યાર્થીઓ-યુવાનોના ઉજ્વળ ભવિષ્યની તક

‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય વાક્ય સાથે જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની રાજ્યવ્યાપી લાઈવ ક્વિઝનો શુભારંભ શિક્ષણમંત્રી શ્રી જીતુ વાઘણીના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે શિક્ષણમંત્રી શ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આવતીકાલના ભારતની ઉન્નતિ અને પ્રગતિ વિદ્યાર્થીઓના હાથમાં છે.

સમગ્ર ક્વિઝના આયોજનને અભૂતપૂર્વ ગણાવી તેમણે કહ્યું કે, 20 હજારથી વધુ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી, 27 લાખથી વધુ લોકોની સામેલગીરી જેમાં શાળાના 21 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને કોલેજના 3.74 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત 2 લાખથી વધુ જાગૃત નાગરિકો જોડાયા હોય તેવી વિશ્વની આ સૌપ્રથમ ક્વિઝ હશે.

અમદાવાદની ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી ખાતે આયોજિત થયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વિશ્વમાં અનેક ક્ષેત્રે ભારતનો ડંકો વાગી રહ્યો છે.

આજે શિક્ષણ અને રોજગરીના સ્તરમાં થયેલો સુધારો એ 20 વર્ષના વિકાસનું પરિણામ છે. આત્મનિર્ભર વિદ્યાર્થી થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતનો લક્ષ્ય G3Q ક્વિઝ જેવા આયોજનો થકી સાકર થશે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મોર્ડન ઇન્ડિયા’ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીને વિદ્યાર્થીઓ નજીકથી નિહાળી શકે તે માટે મેટ્રોની મુલાકાત, ડિફેન્સ એક્સપો સહિતના પ્રેક્ટિકલ જ્ઞાનની વૃદ્ધિ કરે તેવા આયોજનો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમ એમણે ઉમેર્યું હતું.

શ્રી વાઘાણીએ કહ્યું હતું કે, 7 જુલાઈ, 2022થી શરૂ થયેલી આ ક્વિઝ, 11 સપ્તાહ સુધી રમાઈ છે. જેના સફળ આયોજનના પાયામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગુજરાતની જનતા છે. આ ક્વિઝ થકી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો રણકો સંભળાશે અને

આઝાદીના લડવૈયા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ તેમજ શ્રી નરેન્દ્રભાઇ અને શ્રી અમિતભાઈની જન્મભૂમિ ગુજરાતના વિધાર્થીઓ તરીકે વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાશે. સાથે સાથે આ ક્વિઝના વિજેતાઓને 25 કરોડથી વધુના ઇનામો, દુનિયાના સૌથી મોટા સાયન્સસિટીની મુલાકાત તથા દાંડી કુટિરની મુલાકાત લેવાનો પણ મોકો મળશે. તેમજ જિલ્લા સ્તરની સ્પર્ધા બાદ રાજ્ય સ્તરની સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરવા મેગા ઇવેન્ટનું આયોજન કરવાની જાહેરાત પણ તેમણે કરી છે.

આ અવસરે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં શિક્ષણક્ષેત્રે જે જે પ્રોજેક્ટ્સ હાથ ધરાયા તે માઈલ સ્ટોન સાબિત થયા છે.

4 વર્ષ અને 40 દેશોની મુલાકાતમાં વિદ્યાર્થીઓ જે ન શીખી શકે તે ક્વિઝ થકી માત્ર 4 જ દિવસમાં શીખશે તે પ્રકારનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાના વાતાવરણમાં  આપણા વિદ્યાર્થીઓ ખભે ખભો મિલાવીને આગળ વધી શકે એ આ ક્વિઝનો હેતુ છે. એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી જીતુ વાઘણી તથા મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી આ ક્વિઝની શરૂઆત કરાવી હતી. BAOUના કુલપતિ શ્રીમતી અમી ઉપાધ્યાયએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જેમાં આજના અવસરને તેમણે અભૂતપૂર્વ ગણાવતા કહ્યું હતું કે, 21મી સદીના આધુનિક યુગમાં જ્ઞાન જ સાચી શક્તિ છે. જેનું ખરું સંવર્ધન ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝથી થઈ રહ્યું છે.

આજના કાર્યક્રમમાં GSHSEBના અધ્યક્ષ શ્રી એ.જે.શાહ,  ટેક્નિકલ શિક્ષણના નિયામક શ્રી જી.ટી.પંડ્યા, KCGના એડવાઇઝર પ્રો. એ.યુ.પટેલ, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રો.વી.સી. ભાવિન ત્રિવેદી સહિત શિક્ષણ જગતની જાણીતી હસ્તીઓ ઉપરાંત ઓનલાઈન માધ્યમથી 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.