Western Times News

Gujarati News

ડેવિડ વોર્નરે ૧૦૪૩ દિવસ બાદ વનડેમાં ફટકારી સદી

મેલબોન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાના બંને ઓપનરોએ દમદાર બેટિંગ કરતા સદી ફટકારી અને તેની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૪૮ ઓવરમાં ૫ વિકેટે ૩૫૫ રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચ ૪૮-૪૮ ઓવરની કરી દેવામાં આવી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરે ૧૦૪૩ દિવસ બાદ પોતાની ૧૯મી વનડે સદી પૂરી કરી જ્યારે ટ્રેવિસ હેડે પોતાના વનડે કરિયરની ત્રીજી સદી ફટકારી હતી.

આ મેચમાં ડેવિડ વોર્નરે ૧૦૨ બોલમાં ૨ સિક્સ અને ૮ ચોગ્ગાની મદદથી ૧૦૬ રનની ઈનિંગ રમી અને આ તેના વનડે કરિયરની ૧૯મી સદી હતી. તો ટ્રેવિસ હેડે ૧૩૦ બોલ પર ૪ સિક્સ તથા ૧૬ ચોગ્ગાની મદદથી ૧૫૨ રન બનાવ્યા હતા અને આ તેના વનડે કરિયરની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ હતી. આ બંને બેટરોએ પ્રથમ વિકેટ માટે ૨૬૯ રનની ભાગીદારી કરી હતી.

પોતાની આ ઈનિંગની સાથે ડેવિડ વોર્નરે વનડે ક્રિકેટમાં ૬૦૦૦ રન પૂરા કરી લીધા છે. વોર્નરના વનડે કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ૧૩૯ ઈનિંગમાં ૪૪.૮૩ની એવરેજથી ૬૦૦૭ રન બનાવ્યા છે. તેણે ૧૯ સદી અને ૨૭ અડધી સદી ફટકારી છે. તેનો બેસ્ટ સ્કોર ૧૭૯ રન રહ્યો છે. તો વોર્નર વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા તરફથી સદી ફટકારવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે.

તેણે માર્ક વોને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા તરફથી પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે વનડેમાં સૌથી વધુ ૨૯ સદી છે. વોર્નર વિશ્વનો માત્ર ૧૭મો બેટર છે, જેના ખાતામાં ૧૯ કે તેનાથી વધુ વનડે સદી છે. વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી ભારતના સચિન તેંડુલકર (૪૯) ના નામે છે. ત્યારબાદ વિરાટ કોહલીના નામે ૪૩ વનડે સદી છે. ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગ છે, પોન્ટિંગના નામે ૩૦ વનડે સદી છે. પોન્ટિંગે ૨૯ સદી ઓસ્ટ્રેલિયા તરફથી અને એક સદી આઈસીસી તરફથી રમતા ફટકારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.