Western Times News

Gujarati News

કાૅંગ્રેસ સરકાર આતંકને નહીં મોદીને ટાર્ગેટ કરતી રહી: પ્રધાનમંત્રી

ખેડા સહિતના શહેરોમાં મોદીનો ઝંઝાવતી ચૂંટણીપ્રચાર, રાત્રે સુરતમાં યોજાયો ભવ્ય રોડ-શો, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી-કાૅંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જુએ છેઃ મોદી

(પ્રતિનિધી) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરી રહ્યાં છે. આજે પીએમ મોદીએ ખેડા અને નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. તેમજ સુરતમાં પાટીદારોના ગઠ ગણાતા વરાછા સહિતના વિસ્તારમાં વિશાળ રોડ શો યોજ્યો હતો.

સુરત એરપોર્ટથી ૨૭ કિમી લાંબો રોડ-શો યોજ્યો હતો. રોડ-શોમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ પીએમનું અભિવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડામાં આતંકવાદના મુદ્દે કોંગ્રેસ ઉપર આકરા ચાબખા માર્યાં હતા. કાૅંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જાેતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.

પીએમ મોદીએ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલો અને બાટલા હાઉસ એન્ટકાઉન્ટરની ઘટનાને યાદ કરીને કોંગ્રેસની ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના વોટબેંકની રાજનીતિ મામલે ચાબખા માર્યાં હતા.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. ખેડામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ આતંકવાદને લઈ કાૅંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મુંબઈમાં જે આતંકી હુમલો થયો હતો તે આતંકી પરાકાષ્ઠા હતી.

આપણું ગુજરાત પણ લાંબા સમય સુધી આતંકીઓના નિશાના પર રહ્યું છે. અહીં ગુજરાતમાં અમે આતંકીઓને પકડતા અને કાર્યવાહી કરતા હતા પણ કોઈ ભૂલી નથી શકતું કે કઈ રીતે દિલ્હીમાં બેઠી કાૅંગ્રેસ સરકાર આતંકીઓને છોડાવવામાં તેની પૂરી તાકાત લગાવી દેતી હતી.

અમે કહેતા હતા કે આતંકને ટાર્ગેટ કરો પણ કાૅંગ્રેસ સરકાર આતંકને નહીં મોદીને ટાર્ગેટ કરતી રહી.પરિણામ એ આવ્યું કે, આતંકીઓના હોંસલા વધતા રહ્યા, દેશના મોટા શહેરમાં આતંકવાદ વધતો રહ્યો હતો

દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટરને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દિલ્હીમાં જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું તો કાૅંગ્રેસના નેતા આતંકીઓના સમર્થનમાં રોવા લાગ્યા હતા. કાૅંગ્રેસ આતંકવાદને પણ વોટબેંકની નજરથી જુએ છે. તૃષ્ટીકરણની દૃષ્ટિથી જુએ છે. ખાલી કાૅંગ્રેસ નથી હવે તો અલગ અલગ દળ તૈયાર થયા છે.

આ દળ પણ શોર્ટકટની રાજનીતિમાં માને છે. તેની તો સતાની ભૂખ પણ તેજ છે. તે વોટબેંકની રાજનીતિ કરવા માગે છે. કેટલાક લોકોને ખરાબ ન લાગી જાય, પોતાની વોટબેંકને તકલીફ ન પડે તે માટે ભયંકર આતંકી ઘટનાઓ બાદ પણ તૃષ્ટીકરણની રાજનીતિ કરવા વાળા પક્ષોના મોઢા પર તાળાં લાગી જાય છે.

એટલું જ નહીં જ્યારે કોર્ટમાં કેસ ચાલે તો પાછલા દરવાજાથી તેની સાથે મળેલા લોકો આતંકવાદીઓની પેરવી કરવા માટે કોર્ટના દરવાજા સુધી પહોંચી જાય છે. આવા પક્ષોથી ગુજરાતે, દેશે બહુ સતર્ક રહેવાની જરુર છે.

તેમણે વધુમાં કહ્યું કે, અમારે ગુજરાતને આતંકના ખેલ ખેલવા વાળાથી હંમેશા માટે બચાવીને રાખવું છે.ગુજરાતની જે પેઢીએ કફર્યૂ પણ નથી જાેયો, મારે તે લોકોને પણ બોમ્બ ધડાકાથી બચાવવા છે. આ કામ ભાજપાની ડબલ એન્જિનની સરકાર જ કરી શકે છે. આ લાંબી લડાઈ છે. તેના માટે એક મજબૂત સરકાર અને તમારો સાથ દેશને જરુરી છે.

ખેડા જિલ્લાની વિધાનસભાની ૬ બેઠક માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. આ તમામ બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહ્યું છે.

વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ખેડાની છ બેઠકો પૈકી ૩ બેઠકો ઉપર ભાજપ અને ૩ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. માતર બેઠક પર ભાજપના ઉમેદવાર કેસરીસિંહ જયસિંહ સોલંકી, નડિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ વિનુભાઇ દેસાઈ, મહેમદાવાદ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણ,

મહુધા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમાર, ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર અને કપડવંજ બેઠક પર કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ જીત મેળવી હતી. આમ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની ૬ બેઠક પૈકી ૩ બેઠક પર ભાજપ જ્યારે ૩ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. તા.૮મી ડિસેમ્બરના રોજ મતદારો કોની ઉપર પસંદગી ઉતારે છે તે જાણી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.