Western Times News

Gujarati News

વલસાડમાં ‘સોનલ બીજ’ની ઉજવણી કરાશે

(પ્રતિનિધિ)વલસાડ, ૨૫મી ડિસેમ્બરે આઈ સોનલ માં નો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. આ દિવસે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ, નવસારી જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વસતા ચારણ-ગઢવી સમાજ દ્વારા ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષિત બનો, સંગઠીત બનો, વ્યસન મુક્ત બનોનો સંદેશ આપનાર ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈશ્રી સોનલ માં નો ૨૫મી ડિસેમ્બરે જન્મોત્સવ છે. ચારણ-ગઢવી સમાજ દર વર્ષે પોષ સુદ બીજને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ રવિવારે વલસાડમાં શ્રી ઓધવ રામ પાર્ટી પ્લોટ, ધરમપુર ચાર રસ્તા ખાતે ૩૬માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વની ઉજવણી કરશે.

ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ જન્મોત્સવ નિમિતે સવારે ૯ઃ૩૦ વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રા, ૧૦ વાગ્યે આરતી મહાપૂજા, ૧૦ઃ૩૦ વાગ્યે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને ઇનામ વિતરણ, બપોરે ૦૧ઃ૦૦ વાગ્યે મહાપ્રસાદ, બપોરે ૨ વાગ્યે રાસગરબા, સાંજે ૬ વાગ્યે મહાઆરતી સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું છે.

રાત્રે ૯ વાગ્યે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંતવાણીમાં ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, જયેશ ચૌહાણ, ભજનીક ગોવિંદભાઇ ગઢવી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી ભજનની અને સંતવાણીની રમઝટ બોલાવશે.સોનલ બીજ મહોત્સવમાં ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં સરકારી વિભાગમાં ફરજ બજાવતા તેમજ અન્ય ક્ષેત્રમાં સમાજનું નામ રોશન કરનાર યુવાનો-આગેવાનોનું સન્માન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.