Western Times News

Gujarati News

ઝઘડિયા બેંક ઓફ બરોડાનું પ્રિન્ટર મશીન છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બંધ હાલતમાં

દિવાળી અગાઉ ગામના આગેવાનોએ બેંક ઓફ બરોડા મેનેજરને લેખિતમાં ફરિયાદ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા ટાઉનમાં ૩૫ હજાર થી વધુ ખાતાધારકો ધરાવતી બેંક ઓફ બરોડા શાખામાં તેના જવાબદાર અધિકારીઓની લાલિયાવાળી સામે આવી છે.છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી બેંક ઓફ બરોડા માં પાસબુક પ્રિન્ટિંગ મશીન બંધ હાલતમાં હોવા બાદ પણ જાડી ચામડીના બેંક અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.ગામડેથી આવતા સામાન્ય ગરીબ ખાતાધારકો અધિકારીઓને પાસબુક પ્રિન્ટિંગ બાબતે પૂછતા તેમને તતડાવતા હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.૩૫ હજાર જેટલા ખાતા ધરાવતી ઝઘડિયા શાખા બેંકના જવાબદાર અધિકારીઓને ગ્રાહકોની કોઈ પડેલી જ નથી તેવું ફલિત થઈ રહ્યું છે.

ઝઘડિયા ટાઉનના ઉપરાંત ઝઘડિયાની આજુબાજુના ગામડાઓના તમામ ખાતાધારકોઆ બાબતે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે.પોતાના ખાતામાં જમા થયેલા અથવા ઉપાડેલા વ્યવહારોની એન્ટ્રીઓ જાેવા માટે તથા તેમના ખતા માંથી કપાયેલા ચાર્જ જાેવા માટે ગ્રાહકો પાસબુક પ્રિન્ટિંગ માટેનો આગ્રહ રાખતા હોય એ સ્વાભાવિક છે.પરંતુ પાસબુક પ્રિન્ટ કરી આપવાની સેવામાં ઝઘડિયા બેંક ઓફ બરોડા શાખાની ગંભીર બેદરકારી સામે આવી છે.અવારનવારની રજૂઆતો બાદ પણ ખાતા ગ્રાહકો તથા ગામના આગેવાનોને ઝઘડિયા શાખાના સંચાલકો ચલક ચલણી જેવી રમત રમાડી રહ્યા છે.

પાસબુકમાં પ્રિન્ટ કરવાની માગણી કરતા ગ્રાહકોને પોતાના વર્ષ દરમિયાનના વ્યવહારો ઈન્કમટેક્સ ભરવા તથા અન્ય સરકારને હિસાબો આપવામાં જરૂર પડતી હોય છે તે દરમ્યાન જવાબદાર અધિકારી દ્વારા તેમને સ્ટેટમેન્ટ લેવાની ભલામણ કરવામાં આવે છે.જરૂરિયાતમંદ ખાતાધારકો સ્ટેટમેન્ટ લે છે ત્યારે શાખા દ્વારા તેનો તગડો ચાર્જ તેમના ખાતામાંથી કાપી લેવામાં આવે છે.

આ બાબતે દિવાળી પહેલા ઝઘડિયા ના વેપારી અગ્રણી તથા કેટલાક ખાતેદારો દ્વારા બેંક ઓફ બરોડામાં લેખિત પાસબુક પ્રિન્ટ નથી થતી તે બાબતની ફરિયાદ આપી હતી.પરંતુ તેમણે આ બાબતે દિવાળી સુધીમાં પ્રિન્ટર મશીન ચાલુ થઈ જશે તેવી બાંહેધરી આપી હતી.પરંતુ દિવાળી ગયા ને એક મહિના કરતાં પણ વધુ સમય થયો હોય ઝઘડિયા શાખામાં પાસબુક પ્રિન્ટર મશીન ચાલુ થયું નથી જેથી હજારો ગ્રાહકો હાડમારી નો સામનો કરી રહ્યા છે.સત્વરે ઝઘડિયા શાખાના જવાબદાર અધિકારીઓ દ્વારા પાસબુક પ્રિન્ટર મશીન શરૂ કરવામાં આવે તેવી માંગ ગ્રાહકો દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.