Western Times News

Gujarati News

અરવલ્લીમાં વાહનો ટોઇંગ કરતી એજન્સીની બેધારી નીતિથી વાહનચાલકોમાં આક્રોશ

અરવલ્લી :અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા શિરદર્દ સમાન બની છે શહેરના મુખ્યમાર્ગોની આજુબાજુ ટાઉનપ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ વગર તાણી બંધાયેલા કોમ્પ્લેક્ષના લીધે ખરીદી કરવા આવતા વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની સાથે રોડ પર અડિંગો જમાવટ ફેરિયાઓ અને પથારાવાળોના લીધે સ્થાનિક તંત્રનો વહીવટ ખાડે જતા ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે

મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા રોડ પર ખડકાયેલા વાહનોને ટોઇંગ કરવાની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા છતાં ટોઇંગ એજન્સી અને પોલીસતંત્રની બેધારી નીતિના પગલે ફક્ત વાહનચાલકોને દંડવામા આવતા અને હાથલારીઓ અને પથારાવાળા સામે ઘૂંટણિયે પડી જતા વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે ચાર રસ્તા થી કોલેજરોડ પર ફેરિયાઓનું અને પથારાવાળાઓનું સામ્રાજ્ય યથાવત રહેતા ટ્રાફિકની સમસ્યા ઠેર ને ઠેર જોવા મળી રહી છે

મોડાસા શહેરમાં  ટ્રાફિકનું નિયંત્રણ કરનાર ટોઇંગ એજન્સી રોડ પર ખડકાયેલા આડેધડ વાહનોને ટોઇંગ કરી મનફાવે તેમ દંડ વસુલાત કરતા વાહનચાલકો અને ટોઇંગ એજન્સી ના કર્મચારીઓ વચ્ચે તું…તું…મૈં…મૈં ની ઘટનાઓ સામાન્ય બની છે વાહનચાલકોના જણાવ્યા અનુસાર ટોઇંગ એજન્સીના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસતંત્ર રોડ પર અડિંગો જમાવી ઉભા રહેતા ફેરિયાઓની હાથલારીઓ અને પથારાવાળા સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ રક્ષણ પૂરું પાડતા હોવાનો આક્ષેપ કરી પાર્કિંગ લાઈન અને ફૂટપાથ પર ઉભા રહેતા ફેરિયાઓ અને દુકાનદારોએ પાર્કિંગ લાઈન સુધી જગ્યા રોકી રાખતા વાહનચાલકોએ વાહનો ક્યાં પાર્કિંગ કરવાએ યક્ષ પ્રશ્ન બન્યો છે

મંદીના માહોલમાં ખરીદી કરવા આવતા વાહનચાલકો સામે ટ્રાફિકનો ડંડો અને ટોઈંગવાન દ્વારા વાહનો ટોઇંગ કરી  મસમોટો દંડ ખંખેરી લેતા હાલત કફોડી બની છે.  મોડાસા શહેરના અગ્રણી શહેરીજનો અને વાહનચાલકોમાં શહેરના મુખ્યમાર્ગો પર ખડકાયેલી ફેરિયાઓની હાથલારીઓ અને પથારાવાળા સામે અને દુકાનો આગળ રાખી મુકતા દુકાનદારો સામે દંડાત્મક કાર્યવાહી કર્યા પછી વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ ઉગ્ર બની છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.