Western Times News

Gujarati News

આઠમાં માળેથી નીચે પટકાતા ૬ વર્ષીય બાળકનું મોત

Files photo

સેલવાસ, સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા ૬ વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના બાળકના મોતને લઈ પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે. બનાવ અંગે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સેલવાસના ડોકમરડી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં જ નવનિર્મિત ૧૦ માળનું બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. અહીં બિલ્ડીંગના બાંધકામ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનું એક પરિવાર પણ અહીં કામ કરતું હતું. તેમનો ૬ વર્ષીય બાળક રુદય રતિલાલ અરજ ગામમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. ઉતરાયણની રજા હોવાથી તેઓ પરિવાર બાળકને રજાના માહોલમાં પોતાની સાથે લઈ આવ્યું હતું.

જ્યાં બાળકની માતા બિલ્ડિંગમાં કામ કરતી વખતે બાળકને લઈને બિલ્ડિંગ ઉપર ચડી હતી, ત્યારે આઠમા માળે પહોંચતા જ અચાનક બાળકનો પગ લપસ્યો હતો. આથી બાળક સીધું આઠમાં માળેથી નીચે પટકાયું હતું. તાત્કાલિક બાળકને સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું.

બનાવને પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. જાણ થતાં જ કપરાડાના સામાજિક અગ્રણીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આથી સેલવાસ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ મકરસંક્રાતિની રજામાં પરિવાર બાળકને કામના સ્થળે સાથે લઈ આવતા આઠમાં માળેથી નીચે પટકાતા તેના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.