Western Times News

Gujarati News

બાળકની વધુ પડતી કાળજી તેમના વ્યક્તિત્વનો વિકાસ રૂધે છે

કૃૃતિને પર્વની ભારે ચિંતા “ધૂળમાં રમશે તો માંદો પડશે, પવન લાગી જશે તો શરદી થશે ટોપી પહેર ઘરમાં જ રમો. જાે બહાર રમવાની ઈચ્છા થાય તો બહુ બહુ તો નીચે પાર્કિંગમાં રમવાનું આનાથી દૂર ક્યાંય રમવા નહીં જવાનું, આટલા વિટામિન્સ તો રોજના લેવા જ જાેઈએ. આજે એક ફ્રૂટ ઓછું કેમ ખાધું ? અગાશીમાં એકલા ન જઈશ, સ્કૂલે બસમાં નથી જવાનું, હું જ તને સ્કૂલે લેવા-મૂકવા આવીશ.’

કરણ કૃતિને કાયમ કહે, આટલી બધી ચિંતા સારી નહી. તું ક્યાં સુધી એની આગળ પાછળ ફરતી રહીશ. આજે નહીં તો કાલે એ ક્યાંક તો એકલો પડશે જ, આખી જિંદગી તું એની સાથે રહી શકવાની નથી. એકલો કંઈ નહીં કરે તો સ્ટ્રોંગ કેવી રીતે બનશે. આજના યુગમાં થોડા સ્ટ્રોંગ તો બનવું પડે. પણ કૃતિ કરણની વાતને ટાળી દેતી અને હંમેશા પર્વના સમયની એક એક મિનિટની ચિંતા કરતી રહેતી.

એક વખત કોઈ લગ્ન માટે બધાએ બહાર જવાનું થયું. પર્વ સાત વરસની ઉંમરમાં પહેલી વાર નવા લોકો વચ્ચે રહેવા ગયો. સગા સંબંધીના નાના બાળકો એકબીજા સાથે ખૂબ ધમાલમસ્તી કરતા હતાં એ જાેઈ પર્વને પણ રમવાનું મન થયું. પણ જયાં સુધી કૃતિ વિધિઓમાં બિઝી હતી ત્યાં સુધી એણે પર્વને ક્યાંય જવા ન દીધો. વિધિ દરમિયાન પોતાની સાથે ને સાથે રાખ્યો. પર્વ થોડી વાર તો બધાને દૂરથી જાેતો રહ્યો પણ પછી એને પણ જવાની ઈચ્છા થઈ એટલે એણે જીદ પકડી. કરણે પણ કહ્યું એને રમવા દે. તું એની ચિંતા ન કર. હું ધ્યાન રાખીશ.’

થોડીવાર તો પર્વ બધા સાથે બરાબર રમ્યો પણ પછી છોકરાઓએ દોડાદોડી અને સંતાકુકડી રમવાનું શરૂ કર્યું. દોડાદોડીમાં પર્વ પડી ગયો. જેવો પર્વ પડી ગયો કે તરત કૃતિએ એને બોલાવી લીધો અને પોતાની પાસે બેસાડી દીધો. એણે ફરી જવાની ઈચ્છા વ્યકત કરી પણ કૃતિએ તરત કહ્યું તને વાગી ન જાય ? એ બધા તોફાનીઓ વચ્ચે તારુ કામ નહી, તું મારી પાસે જ બેસ. રમતાં રમતાં પર્વ પડી ગયો એમાં તેને ખાસ કંઈ વાગ્યું નહોતું પર્વને વધારે વાગ્યું હોય અને કૃતિ તેને બેસાડી દે એ અલગ વાત છે.

પર્વ સિવાય અન્ય બાળકો પણ મસ્તી તોફાન કરતાં સહજ રીતે પડી જતાં હતા, પણ પછી ઉભા થઈને રમવા લાગતાં હતાં. એકલો નહોતો પડ્યો. પર્વને રમવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ કૃતિના કહેવાથી તે કમને બેસી રહ્યો. એ દિવસ તો વીતી ગયો પણ ત્યાર પછી પર્વ લગ્ન કે કોઈ પણ ફંકશનમાં જવાની ના જ કહેવા લાગ્યો. પર્વ આઠ વર્ષનો થયો છતાં કૃતિ તેને બહાર આઉટડોર ગેમ રમવા જવા નહોતી દેતી. તેથી આઉટડોર ગેમમા તેને ગતાગમ પડતી નહી. તે બસ ઘરમાં બેસીને વીડિયો ગેમ રમવા લાગ્યો. એના મનમાં ટોળાં વચ્ચે જવાનો અને આઉટડોર રમતો પ્રત્યેનો ડર જાણે બેસવા લાગ્યો.

કેટલીક વખત માબાપ બાળકની વધારે પડતી કાળજી કરતાં હોય છે. પણ નાનપણમાં બાળક સમૂહમાં મેદાની રમતો ન રમે તો એનો વિકાસ ઘણી બધી રીતે રૂંધાય છે. આત્મવિશ્વાસ નથી ખીલતો અને વ્યક્તિત્વનો વિકાસ પણ નથી થતો. બાળક સ્વાર્થી, ડરપોક અને એકલાવયુ બની જાય છે એનામાં જાહેરમાં બોલવાનો ડર રહે છે અને અન્ય સામે એ લડી શકતો નથી. માબાપે સમજવું જાેઈએ કે એ લોકો કાયમ બાળકની સાથે રહેવાના નથી અને સંતાનો કાયમ ઘરમાં બેસી રહેવાના નથી. બાળકને માબાપ ઘરમાં ને ઘરમાં રાખે પણ બાળક સ્કૂલમાં જતું થાય ત્યારે તો અન્ય બાળકો સાથે રમવાનું જ છે. અમુક બાળકો ઉપર માબાપનો પ્રભાવ એટલો બધો હોય છે કે, સ્કુલમાં પણ અન્ય બાળકો સાથે રમી શકતા નથી. બધા બાળકો રમતાં હોય ત્યારે એ એક બાજુ બેસી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.