Western Times News

Gujarati News

માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે સરકાર પ્રયત્નશીલ  

છેલ્લા બે વર્ષમાં ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ.૬૧૮.૫૦  લાખના ખર્ચે ૧,૦૬૭ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું

ક્લાયમેટ ચેન્જની અસર સંદર્ભે વિશ્વ આખું ચિંતા કરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની આ સરકાર વનના સંરક્ષણ માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણ ઉપર વિશેષ મહત્વ આપી રહી છે. એટલું જ નહિ, માત્ર વૃક્ષો વાવવા જ નહીં પરંતુ તેની જાળવણી પણ યોગ્ય રીતે થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૮૫ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પેટે કુલ રૂ.૨૬૬.૩૮ લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો.

તે જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩માં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ ૫૮૨ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે પેટે કુલ રૂ. ૩૫૨.૧૨ લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે બે વર્ષમાં ભિલોડા તાલુકામાં ૧,૦૬૭ હેક્ટર વિસ્તારમાં રોપા વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.૬૧૮.૫૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.