Western Times News

Gujarati News

પોસ્ટ ઓફિસનું 5 ટકા કમિશન બચાવી સરકારે 110 કરોડની બચત કરી

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન થકી રાજ્ય સરકારને રૂ.૧૧૦ કરોડની વાર્ષિક બચત

અરજીથી સહાય મંજૂર થવા સુધીની તમામ કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા કરાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ખાતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે એક મહિલા સન્માન ભેર જીવન જીવી શકે તે માટે આર્થિક મદદ રૂપે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

જેમાં પહેલા પોસ્ટ ઓફિસ મારફતે સહાયની રકમ પૂરી પાડવામાં આવતી હતી તે માટે પોસ્ટ ઓફિસને પાંચ ટકા કમિશન આપવું પડતું હતું.વર્ષ ૨૦૨૦ માં રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT)ની શરૂઆત કરવાથી રાજય સરકારને રૂ.૧૧૦ કરોડની વાર્ષિક બચત થાય છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, અગાઉ અંતરિયાળ વિસ્તારમાં લાભાર્થીને સમયસર સહાય ન મળવાથી આર્થિક હાલાકી ભોગવવી પડતી હતી અને વચેટિયાઓની ફરિયાદ પણ રહેતી હતી. હવે સહાય ડી.બી.ટી.ના માધ્યમથી લાભાર્થીને સત્વરે મળે છે અને વચેટિયાની ફરિયાદ પણ દૂર થઈ છે.

આ યોજના અંતર્ગત લાભાર્થીને સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ ડિસેમ્બર ૨૦૨૦થી લાભાર્થીઓને અરજી કરવાથી સહાય મંજૂર થવા સુધીની તમામ કામગીરી ગ્રામ્ય કક્ષાએ અથવા શક્ય તેટલા નજીકના સ્થળે થઈ શકે તે માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

જેથી લાભાર્થીઓને ગ્રામ્ય કક્ષાએથી જ અરજી કરવાનું સરળ બન્યું છે અને ફંડ ફાળવણીથી લઈ સહાય ચૂકવણીની પ્રક્રિયા સરળ બની છે. સાથેસાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને વેગ મળ્યો અને રાજ્યકક્ષાથી યોજનાનું મોનીટરિંગ પણ અસરકારક રીતે થ‌ઈ રહ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સમાજમાં ગંગા સ્વરૂપ મહિલાઓના પુનઃ લગ્નનો સ્વીકાર અને સુધારાત્મક અભિગમ સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના ૦૧ એપ્રિલ ૨૦૨૧થી અમલમાં મૂકાઇ છે.

જેમાં સહાય પેટે ગંગા સ્વરૂપા યોજનાનો લાભ મેળવી યોજનામાં મહિલાને પુનઃ લગ્ન કરવા પર રૂ.૨૫ હજાર અને નાની બચત સ્વરૂપે રૂ.૨૫ હજાર એમ કુલ રૂ. ૫૦ હજારની સહાય લાભાર્થીના ખાતામાં ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા જમા કરાવવામાં આવે છે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.