Western Times News

Gujarati News

સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીમાં સૌથી વધુ યોગદાન આપનારાઓનું સન્માન

સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૧-૨૨ દરમિયાન મહત્તમ ફાળો આપનાર કચેરી, શાળા અને સંસ્થાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરતા અમદાવાદના કલેકટર ડૉ. ધવલ પટેલ

(માહિતી)અમદાવાદ, સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૧-૨૨ની ઉજવણી નિમિત્તે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ યોગદાન આપનાર સરકારી કચેરીઓ, સંસ્થાઓ, શાળાઓ અને વ્યક્તિગત દાતાઓનું અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. ધવલ પટેલના હસ્તે સન્માનિત કરાયા.

આ પ્રસંગે અમદાવાદના કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૧-૨૨ દરમિયાન શહીદોના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાના આશયથી શાળાઓ, કચેરીઓ અને સંસ્થાઓ દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવતું હોય છે. જેમાં વ્યક્તિગત રીતે અને સંસ્થાઓ દ્વારા એમ બંને રીતે ભંડોળ એકત્રિત કરવામાં આવે છે. જેમાં મહત્તમ ફાળો આપનાર કચેરી, શાળા કે સંસ્થાઓનું દર વર્ષે આપણે સૌ સન્માન કરીએ છીએ. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કુલ ૫૨ લાખ ૧૧ હજાર જેટલું ભંડોળનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. જે આપણા જિલ્લા માટે ખૂબ જ ગર્વની બાબત છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની રક્ષા કરવા સરહદ પર સતત તૈનાત રહેતા આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની સૌથી મોટી તથા નૈતિક જવાબદારી થાય છે. જેને ધ્યાને લઈને આપણે દર વર્ષે આ પ્રકારના ભંડોળનું એકત્રીકરણ કરવું જાેઈએ, તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની કુલ વસ્તી આશરે ૧ કરોડ જેટલી છે, જેમાં સંસ્થાઓની સાથે સાથે વ્યક્તિદીઠ દરેકે પોતાની યથાશક્તિ પ્રમાણે સશસ્ત્ર સેના ભંડોળમાં પોતાનો ફાળો આપવો જાેઈએ. કલેક્ટરના હસ્તે સશસ્ત્ર સેના ધ્વજદિન ૨૦૨૧-૨૨ અંતર્ગત ભંડોળમાં મહત્તમ ફાળામાં પ્રથમ ક્રમે રહેનાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (ગ્રામ્ય)ની કચેરી, બીજા ક્રમે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી, ત્રીજા ક્રમે જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય)ની કચેરી, ચોથા ક્રમે ગુજરાત તકનીક યુનિવર્સિટી, અમદાવાદ અને પાંચમા ક્રમે ચેરીટી કમિશનરની કચેરીને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં.

આ સાથે જ વ્યક્તિગત અને શાળા/સંસ્થાની શ્રેણીમાં પ્રથમ ક્રમે ઉર્વશીબેન પટેલને, બીજા ક્રમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, દસ્ક્રોઇ, ત્રીજા ક્રમે શેઠ અમુલખ વિદ્યાલય, હરિભાઈ એજ્યુકેશન કેમ્પસ દસ્ક્રોઇને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યાં હતાં. આ ઉપરાંત નોંધપાત્ર યોગદાન આપનાર શાળાઓ, સંસ્થાઓ અને કચેરીઓ મળીને કુલ ૩૯ જેટલા પારિતોષિક અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા અને કલેક્ટરએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ વધુ ભંડોળ એકત્રિત કરવા પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં વાય.એમ. શુક્લ ચેરીટી કમિશનર ગુજરાત રાજ્ય, આર.ડી. બરહટ, ઉદ્યોગ સંયુક્ત કમિશનર અમદાવાદ, ડી.સી.મહેતા સંયુક્ત કમિશનર ટેક્સ અમદાવાદ વિભાગ- ૧ અને અલગ અલગ વિભાગના પ્રાંત અધિકારીઓ, આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.