Western Times News

Gujarati News

આમોદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સશક્ત અને સુપોષિત અભિયાન મેળો યોજાયો

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આમોદમાં દરબારી હોલ ખાતે આમોદ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરના અધ્યક્ષ સ્થાને ‘કિશોરી કુશળ બનો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓએ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.ત્યાર બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.અને મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું.પ્રાથમિક મિશ્ર શાળા સમની ગામની કિશોરીએ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ વિશે પોતાના વિચારો લોકો સમક્ષ રજુ કર્યા હતા.કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ તરફથી કિશોરીઓના આરોગ્યને લગતી માહિતી આપવામાં આવી હતી.

રનાડા પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વ-બચાવ અંગે તાલીમ આપી હતી.એડવોકેટ ગિરીશ પરમારે કિશોરીઓ તથા બાળકોની વિવિધ સુરક્ષાની યોજનાઓ તથા હક અને કાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું. બી.આર.સી.મહેન્દ્રસિંહ ગોહિલે કિશોરીઓને શિક્ષણ વિશેનું મહત્વ સમજાવ્યું હતું.પોસ્ટ માસ્ટર અકરમ દોલાએ પોસ્ટ વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.ખેતીવાડી શાખામાંથી આવેલા ગ્રામસેવિકા માનસી લીંબચીયાએ ઈન્ટરનેશનલ મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત આહારમાં સૂકા ધાન્ય બાજરો,જુવારનું મહત્વ સમજાવ્યું હતું.

ત્યાર બાદ કિશોરીઓના હક,સ્વાસ્થ્ય,શિક્ષણ પોષણ, સશક્તિકરણ, દીકરા અને દીકરીના ભેદભાવ રહિતની સ્થાપનાની પ્રતિજ્ઞા આંગણવાડી કાર્યકર જયશ્રી રાણાએ લેવડાવી હતી. કાર્યક્રમમાં આવેલી કિશોરીઓને મહેમાનોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતાં.ત્યાર બાદ કિશોરીઓ હક માટે સિગ્નેચર કેમ્પઈનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોએ સહીઓ કરી હતી અને પૌષ્ટિક આહારનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર,તાલુકા આરોગ્ય અધિકારી,વિસ્તરણ અધિકારી કનુભાઈ પઢીયાર,પૂર્ણાં કન્સલટન્ટના જયનાબેન,બી.આર.સી.કોર્ડીનેટર મહેન્દ્રસિંહ ગોહિલ,એડવોકેટ ગિરીશ પરમાર સહિત આંગણવાડી કાર્યકરો અને કિશોરીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.