Western Times News

Gujarati News

ગુજરાતમાં 3.65 લાખ ખેડૂતો કરી રહ્યા છે 4 લાખ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી

પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ અને પ્રાકૃતિક ખેતપેદાશોનું માર્કેટિંગ, બન્ને ટોચઅગ્રતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી પ્રાકૃતિક ખેતી વધુને વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે. ગુજરાતમાં ૩,૬૫,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ૪,૦૯,૦૦૦ એકર ભૂમિ પર હવે પ્રાકૃતિક ખેતી થાય છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સમીક્ષા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવતી, પશુઓના સંવર્ધન, પર્યાવરણના જતન અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી વિશે વધુને વધુ ખેડૂતો માહિતીગાર થાય અને પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે આયોજનબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે.

Governor Shri Acharya Devvratji held a review with the top officials of Agriculture Department regarding organic agriculture.

એટલું જ નહીં, પ્રાકૃતિક ખેત પેદાશોના સુવ્યવસ્થિત માર્કેટિંગ માટે પણ વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ રહ્યું છે. આ બંને બાબતોને એક સરખી અગ્રતા આપીને કૃષિ વિભાગ અને પ્રાકૃતિક કૃષિ-આત્મા દ્વારા ઝુંબેશની જેમ કામ થઈ રહ્યું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બેઠકમાં કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી માનવના સ્વાસ્થ્ય સામે ગંભીર પડકારો ઉભા થયા છે. જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે. સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે મા ના દૂધમાં પણ પેસ્ટીસાઈડ્સના અંશો જોવા મળ્યા છે.

આ તમામ તકલીફોનો ઉકેલ ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જ છે. આ પુણ્ય કર્મ છે, માનવતાનું કામ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી અપીલ કરી છે. પ્રધાનમંત્રી પણ પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે ઈમાનદારીપૂર્વક આ કલ્યાણકારી કામ કરવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં ૧૧,૧૪,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. કૃષિ વિભાગના અને અન્ય ફિલ્ડ અધિકારીઓ સહિત ૨,૪૬૭ અધિકારીઓને પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. રાજ્યની ૧૪,૪૫૫ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ૧,૨૨૯ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

રાજભવનમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, આત્મા પ્રોજેક્ટ-પ્રાકૃતિક કૃષિ અને એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.જી.પટેલ, ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એ. શાહ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખેડૂત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.