Western Times News

Gujarati News

ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડાવાના એજન્ટો લઈ રહ્યા છે આટલા રૂપિયા

અમદાવાદ,  ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકાના મોહમાં હવે ગુજરાતીઓ મોતના રસ્તે જઈ રહ્યાં છે. ફરી એકવાર અમેરિકામાં ગુજરાતીઓની ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક ગુજરાતી પરિવારે જીવ ગુમાવ્યો છે.

મહેસાણાના વિજાપુરના ચૌધરી પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્યારે તમને કહી દઈએ કે, અમેરિકામાં ઘૂસણખોરીનો આખો ખેલ જીવલેણ છે. એજન્ટો લાખો રૂપિયા લઈને ગુજરાતીઓની જિંદગી સાથે રમત રમે છે. છતાં દર બીજાે ગુજરાતી અમેરિકા જવા માંગે છે. હકીકતમાં આ મોહ અમેરિકાનો નહિ, પરંતુ ડોલરનો હોય છે.

છેલ્લાં લાંબા સમયથી ડોલરનો ભાવ ઉંચકાઈ રહ્યો છે. જેની સરખામણીમાં રૂપિયો સાવ બેસી રહ્યો છે. તેથી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડાવાના એજન્ટના ભાવમાં પણ સીધો વધારો થઈ ગયો છે. હવે એજન્ટ સીધા ૮૫ લાખ માંગી રહ્યાં છે.
અમેરિકા જવાનું ઘેલુ દર બીજા ગુજરાતીને છે. લાખો રૂપિયા ખચ્રયા બાદ પણ લોકો અમેરિકા જવા માંગે છે.

ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવાની યાતનાઓ પણ બહુ વધારે છે. ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડવા માટે થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના લોકો ૬૫ લાખ રૂપિયા આપતા હતા. જેમાં મહેસાણા, કડી, કલોલના લોકો સામેલ છે. પરંતુ આ ભાવ ૯ મહિના પહેલાનો છે. હવે ડોલરનો ભાવ ઉંચકાતા એજન્ટોએ પણ મોઢું મોટું કર્યું છે. ડોલરનો ભાવ પ્રતિ ડોલરે ૮૩ રૂપિયા થતા એજન્ટ હવે સીધા ૮૫ લાખ માંગે છે.

ઉંમર પ્રમાણે કેટલો ભાવ
પુખ્ત વયના લોકો માટે – ૮૫ લાખ
૧૫ થી ૧૮ વર્ષના કિશોરો માટે – ૧.૫૦ કરોડ
પુખત વયના લોકો કરતા કિશોરોનો ભાવ વધારે છે. કારણ કે, તેઓને તાત્કાલિક નાગરિકતા મળી જતી હોય છે. આમાં અમદાવાદથી અમેરિકા પહોંચવા સુધીનો તમામ ખર્ચ એજન્ટ કરે છે.

હાલ એજન્ટો ૮૫ લાખ માંગે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ માટે ઉત્તર ગુજરાતમાં લગભગ ૧૦ થી ૧૫ એજન્ટ સક્રિય છે. જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવે છે. આમ, ૯ મહિનામાં એજન્ટે સીધા ૨૦ લાખ રૂપિયા વધારી દીધા છે. છતાં વિદેશ જવાનો મોહ ઓછો થયો નથી. કડી, મહેસાણા, કલોલ તાલુકામાં એવા ઘરો જેમાં આખેઆખા પરિવારો વિદેશમાં રહે છે.

કહેવાય છે કે ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવા માટે પહેલા એજન્ટ ૫ લાખ રૂપિયા લેતા હતા. આ બે દાયકા પહેલાનો ભાવ છે. ૨૦ વર્ષ પહેલા ૫ લાખ રૂપિયામાં એજન્ટ અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. પરંતુ બે વર્ષમાં ૮૫ લાખ રૂપિયા થઈ ગયા છે.

સરકાર ગમે તેવા કાયદા બનાવી લે કે પછી પોલીસ ગમે તેટલી ભીંસ વધારી દે, ગુજરાતીઓનું બે નંબરમાં અમેરિકા જવાનું કદાચ ક્યારેય બંધ નહીં થાય. આ ધંધામાં એજન્ટોને તો તગડી કમાણી છે જ, પરંતુ જે લોકો જીવનું જાેખમ લઈને અમેરિકા જાય છે તે લોકો પણ ત્યાં સેટલ થયા બાદ સારું એવું કમાઈ લેતા હોય છે.

એક સામાન્ય તારણ અનુસાર, બે નંબરના રુટમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ઓછું ભણેલા અને અનસ્કીલ્ડ હોય છે. તેઓ ભારતમાં પણ કંઈ ખાસ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. તેવામાં અમેરિકામાં ફુડ ડિલિવરી કે પછી નાના-મોટા સ્ટોર્સ, પેટ્રોલપંપ કે અન્ય જગ્યાઓ પર કામ કરી આ લોકો સારી એવી કમાણી કરતા હોય છે.

જાેકે, અમેરિકા પહોંચીને પણ રિસ્ક ઝીરો થઈ જાય છે તેવું જરાય નથી. પરંતુ ત્યાં સહી-સલામત પહોંચવું તે કોઈ નાની અને સરળ વાત નથી. ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા એક વ્યક્તિને અમેરિકા પહોંચવામાં ક્યારેક છ મહિનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.