Western Times News

Gujarati News

રમજાનના કારણે ફ્રૂટની માગ વધી પણ ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો જંગી વધારો

કમોસમી વરસાદનું ગ્રહણ લાગતાં તમામ ફ્રૂટના ભાવ આસમાને

અમદાવાદ, રાજ્યભરમાં સતત બદલાઈ રહેલા હવામાન અને કમોસમી વરસાદના કારમા મારના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને ખૂબ નુકસાન થયું છે, જેના કારણે ફળો અને શાકભાજી સહિતની વસ્તુઓની આવક પણ ઘટી છે. બીજી તરફ હાલ મુસ્લિમોનો પવિત્ર મહિનો રમજાન ચાલી રહ્યો છે,

જેના કારણે ફળોની માગમાં જાેરદાર વધારો થયો છે. કમોસમી વરસાદની અસર શાકભાજી અને ફ્રૂટ માર્કેટ પર સૌથી વધુ પ્રમાણમાં જાેવા મળી રહી છે. માગ વધતાં જ નંગદીઠ કે કિલો પ્રમાણે વેચાતાં ફળોના ભાવમાં ૩૦થી ૪૦ ટકા વધારો થયો છે, જેનું મુખ્ય કારણ બદલાયેલું હવામાન અને કમોસમી વરસાદ ગણાય છે. હાલ ફ્રૂટ માર્કેટમાં ફળોની આવકનું પ્રમાણ ઓછું છે,

જ્યારે રમજાનના કારણે માગ વધી છે. રાજ્યનાં જુદાં જુદાં સ્થળોએથી આવતાં કેરી, તરબૂચ, દ્રાક્ષ, ચીકુ, કેળાંની આવક પર પણ કમોસમી વરસાદની અસર જાેવા મળી છે.

ફ્રૂટ માર્કેટના વેપારીના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ પડવાના કારણે કેરીની આવકમાં ૫૦થી ૬૦ ટકા ઘટાડો થયો છે, તેની સાથે અન્ય ફ્રૂટના ભાવ પણ વધ્યા છે, પરંતુ ભાવ વધારાના કારણે લોકો તેમની ખરીદશક્તિમાં કાપ મૂકી રહ્યા છે અને કિલો ફ્રૂટ લેનારા હવે માત્ર ૫૦૦ ગ્રામની જ ખરીદી કરી રહ્યા છે.

એક કિલો દ્રાક્ષની કિંમત રૂા.૫૦થી શરૂ થઈને રૂા.૧૬૦ સુધી છે, જ્યારે મોસંબીની ૧૦ કિલોની બોરી રૂ.૫૦૦થી ૬૦૦માં મળી રહી છે. અગાઉ એક કિલો તરબૂચનો ભાવ ૧૫થી ૨૦ રૂપિયા હતો. જે વધીને હાલ રૂ.૨૫ થયો છે. તેમજ એક કિલો સફરજનનો ભાવ રૂ.૧૫૦થી ૧૮૦ હતો, જે વધીને રૂ.૨૩૦ સુધી પહોંચ્યો છે તો ચીકુનો ભાવ રૂ.૫૦ હતો,

જે વધીને કિલોદીઠ રૂ.૮૦ થયો છે અને એક કિલો દાડમનો ભાવ રૂ.૧૦૦ હતો, જે હાલ પ્રતિકિલો રૂ.૧૫૦ના ભાવે વેચાઈ રહ્યાં છે,જ્યારે બેંગ્લોરની આફૂસ કેરી રૂ.૪૦૦માં એક ડઝન મળે છે અને રત્નગીરી આફૂસનો ભાવ એક ડઝનના રૂ.૮૦૦ છે તથા કેસર કેરી (કાચી)ના નવ કિલો બોક્સનો ભાવ રૂ.૧૫૦૦ છે.

પાઈનેપલ નંગદીઠ રૂ.૧૫૦૦ છે. પાઈનેપલ નંગદીઠ રૂ.૧૦૦થી ૧૫૦માં મળી રહ્યું હતું, જેનો હાલનો ભાવ રૂ.૧૮૦થી રૂ.૨૦૦ છે. રૂ.૪૦થી ૫૦માં કિલો વેચાતાં શક્કરટેટી અને પપૈયાનો ભાવ હવે કિલોદીઠ રૂ.૬૦થી ૭૦ થયો છે. ફ્રૂટ માર્કેટમાં સફરજન, કેલિફોર્નિયા દ્રાક્ષ, ઓરેન્જ, કિવી સહિતનાં ફ્રૂટ ગુજરાત બહારથી આવી રહ્યાં છે, જેના ભાવ ઊંચા રહે છે,

જ્યારે ગુજરાતમાંથી આવતાં ફ્રૂટ પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે. તેથી ફ્રૂટની આવક ઓછી રહેતાં ભાવ આસમાને પહોચ્યા છે. વેપારીઓના મતે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાક અને બાગાયતી પાકને નુકસાન થતાં આવક ઘટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.