Western Times News

Gujarati News

1લી ડિસેમ્બરે 9,713 લોકરક્ષક જવાનોને નિમણૂંક પત્રો અપાશે: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કોંગ્રેસે ગુજરાતના યુવાનોને જૂઠ્ઠાણા ફેલાવીને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. ભૂતકાળમાં યુવાનોને સરકારી સેવાઓમાં ભરતી કાપ તેમની સરકારે મૂક્યો હતો તે અમારી સરકારે સત્તાના સુત્રો સંભાળતા જ આ કાપ દૂર કરીને સમયાનુસાર સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી પૂરી પાડી છે એવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને રોજગારી આપી છે. તે કોંગ્રેસને ખૂંચતુ હોઇ, યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી જી.પી.એસ.સી., ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા વિવિધ વિભાગો માટે વિવિધ સંવર્ગની પરીક્ષાઓ લઇને પારદર્શિતાથી 1,20,013 યુવાનોની ભરતી કરી છે. જેમાં રાજ્યના 26થી વધુ વિભાગોમાં વર્ષ 2014માં 20,239, વર્ષ 2015માં 24,420, વર્ષ 2016માં 10,604, વર્ષ 2017માં 47,886, વર્ષ 2018માં 15, 329 અને ચાલુ વર્ષે 1535 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.

પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 9,713 લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. આ ભરતી પ્રક્રિયાની શારિરીક કસોટી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી ડિસેમ્બર 2019ના રોજ નિમણૂંક પત્રો એનાયત કરાશે. લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા અનાર્મ લોકરક્ષક- 3,150, આર્મ્ડ લોકરક્ષક (SRP) – 6,009, પુરૂષ જેલ સિપાઇ-499, સ્ત્રી જેલ સિપાઇ-55 મળી કુલ 9,713 જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં નિયમોનુસાર 2,322 જેટલા અનુસૂચિત જાનજાતિના ઉમેદવારોએ પણ આ પરીક્ષા આપી હતી.

અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલતી હોઇ, તેના લીધે કામગીરી પૂર્ણ થઇ નથી. અપૂરતી ચકાસણીના કારણે સાચાને ન્યાય મળે અને ખોટો લાભ ન લઇ જાય તે માટે સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી હોઇ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પસંદગી પરિણામ તૈયાર થયા બાદ સત્વરે કરાશે. અનુસૂચિત જનજાતિના 2,061 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે. તેઓને પણ 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. બાકી રહેતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.