Western Times News

Gujarati News

વાવાઝોડા સાથે આવેલા વરસાદે ગુજરાતમાં ભારે વિનાશ નોતર્યો

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં રવિવારે અચાનક આવેલા વાતાવરણના પલટા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના પાંચ તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના બેચરાજીમાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો હજી પણ ગુજરાતના માથે વરસાદની ઘાટ ટળી નથી.

ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્‌યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે.

જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરૂ થયા. તેના બાદ અમદાવાદ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં ૩૦ મે પછી વાતાવરણ નોર્મલ થશે. સાબરકાંઠાના હિંમતનગરમાં વરસાદ અને પવનના કારણે તબાહી મચી હતી. હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં પતરા ઉડ્યા હતી. વાવાઝોડું ફુંકાતા પતરા ઉડ્યા અને એક તરફનો માર્ગ બંધ થયો હતો. ટાવર પાસેના રેલવે ઓવરબ્રિજ પર વીજ થાંભલો નમી ગયો હતો.

તો વાવાઝોડાના કારણે ઠેર ઠેર બેરિકેડ્‌સ આડા પડી ગયા હતા. હિંમતનગર શહેરમાં અનેક જગ્યાએ લાગેલા હોર્ડિંગ્સ ભારે પવનમાં જાેખમી સાબિત થઈ શકે છે. તો અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાથી ભારે નુકસાની થઈ છે. ગાજવીજ અને પવન સાથે વરસાદથી અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા.

ભિલોડાના લારી ગલ્લાવાળાઓને મોટું નુકસાન થયુ છે. વાવાઝોડામાં કાચા ગલ્લાઓ ફંગોળાતા નાના વેપારીઓના માથે આભ ફાટવા જેવી સ્થિતિ બની હતી. તો અનેક જગ્યાએ વીજપોલ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ભિલોડા બસ સ્ટેન્ડ વિસ્તાર,પોલીસ સ્ટેશન વિસ્તાર, કોટેજ હોસ્પિટલ વિસ્તારમાં ભારે નુકસાની જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.