Western Times News

Gujarati News

રિન્યુએબલ એનર્જીમાં સતત વધારો કરવામાં ગુજરાત હંમેશાં અગ્રેસર

*પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન શ્રેણી-1*

*વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આજે વાત રિન્યુએબલ એનર્જી વિશે*

ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ અને પુનઃ પ્રાપ્ય ઊર્જા સંદર્ભે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને નવી નીતિઓ ઘડી તેની અસરકારક અમલવારી કરી છે

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5મી જૂને ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ‘વન કવચ’ છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આજે વાત કરવી છે રિન્યુએબલ એનર્જી વિશે. રિન્યુએબલ એનર્જી એટલે કુદરતી સ્ત્રોતોમાંથી મેળવેલી ઉર્જા. Gujarat has always been a leader in increasing renewable energy

જે વપરાશની સાથે ફરી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ અને પવન. પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને આરાધ્ય અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે અને આપણાં જીવનદાતા તરીકે પૂજવામાં આવે છે. ઔદ્યોગિક યુગએ આપણને ઉર્જા સ્ત્રોત તરીકે સૂર્યપ્રકાશની સમજ આપી.

સમગ્ર વિશ્વ પર આબોહવાની અનિશ્ચિતતાથી જીવસૃષ્ટિને ગંભીર અસર પડી રહી છે, જેને નાથવા વિશ્વના તમામ દેશો પ્રયત્નો કરી રહ્યાં છે, આ સમયે જ્યારે ક્લીન અને ગ્રીન હોય તેવા વૈકલ્પિક ઊર્જા ઉત્પાદનના માર્ગો શોધવા અનિવાર્ય બન્યા છે

ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ધદ્રષ્ટા નેતૃત્વમાં ભારતીય ઉર્જા પરિદ્રશ્યમાં સૌર ઊર્જાના ઉપયોગ થકી દેખીતી અસર જોવા મળી રહી છે. સરકારશ્રીના સૌર ઉર્જા આધારિત વિકેન્દ્રિત અને વિતરિત કાર્યક્રમો વડે ગ્રામ્ય વિસ્તારોમાં લાખો લોકો તેમની રસોઈ, વીજળી અને અન્ય ઉર્જાની જરૂરિયાતોને પર્યાવરણને અનુકૂળ રહીને પૂરી કરીને લાભાન્વિત થઈ રહ્યાં છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ગુજરાત સતત અભિનવ પ્રયોગો અને પ્રયાસો થકી રાષ્ટ્રને નવા માર્ગો શોધવા દિશા આપવાનું કાર્ય કરી રહી છે. રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ ગુજરાત સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. રિન્યુએબલ એનર્જીમાં સતત વધારો કરવામાં ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે.

આ હેતુને સર કરવા માટે સોલ૨ પૉલિસી, વિન્ડ પૉલિસી, સ્મૉલ હાઇડ્રો પૉલિસી તેમજ વિન્ડ સોલર હાઇબ્રીડ પૉલિસી જેવી વિવિધ નીતિઓ ઘડવામાં આવી છે, તેમજ તેનો અસરકારક અમલ થઈ રહ્યો છે. રાજ્ય સરકારશ્રીના હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ગુજરાતને 6 એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે.

કહેવાય છે કે, સ્વચ્છ વાતાવરણમાં સ્વસ્થ માનવીનો વિકાસ થાય છે, “વિશ્વ પર્યાવરણ દિન” ની ઉજવણી આગામી 5 જૂનના રોજ થવા જઈ રહી છે ત્યારે આપણે સૌ સંકલ્પ લઇએ કે પ્રાકૃતિક સંપદાને સંરક્ષણ અને સંવર્ધન થકી ટકાઉ અને ભાવિ પેઢી માટે સુરક્ષિત બનાવીએ. આલેખન- હેમાલી ભટ્ટ (માહિતી બ્યુરો, બોટાદ )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.