Western Times News

Gujarati News

ગુજરાતમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’

૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લેશે

Ø  ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ૧૦૦ કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧ લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા

Ø  સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ નાગરિકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે

Ø  આવનારા સમયમાં યોગને ઘર-ઘર સુધી પહોંચાડીને ૧૦ લાખથી વધુ યોગ ટેનર્સને તૈયાર કરવાનો લક્ષ્યાંક – ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજી રાજપૂત

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ પર ઉજવણી થવા જઇ રહી છે ત્યારે રાજયભરમાં થનારી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લેવાના છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦ કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧ લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, રાજ્યમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ અંગે વાત કરતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શ્રી શીશપાલજી રાજપૂતે કહ્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે, આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને પુરાણોમાં યોગનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા યોગનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર અને લોકોમાં જાગૃતિ આવે તે માટે વર્ષ ૨૦૧૯માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.  હાલમાં ૫૦૦૦ જેટલા યોગ ટેનર્સ ગુજરાતમાં યોગ કેન્દ્રો ચલાવી રહ્યા છે, જેને રાજ્ય સરકાર માનદ વેતન આપે છે. આમ ૫૦૦૦ જેટલા યોગ ટેનર્સને રાજ્ય સરકાર દ્વારા રોજગારી પણ આપવામાં આવી છે.

૨૧મી જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની વાત કરતા તેમણે કહ્યું કે, રાજ્યભરમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં  રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લેવાના છે, જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય લેવલ પર ઉજવણી થવાની છે.

અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦ કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧ લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે. એટલું જ નહીં સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ નાગરિકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આવનારા સમયના લક્ષ્યાંકની વાત કરતા શ્રી શીશપાલજીએ કહ્યું કે, અમારો આવનારા સમયમાં લક્ષ્યાંક છે કે યોગને ઘર-ઘર સુધી પહોંચાડીને ૧૦ લાખથી વધુ યોગ ટેનર્સને તૈયાર કરવાનો છે.  રાજ્યના મહાનગરોની દરેક સોસાયટી અને ગામડાઓમાં યોગ કેન્દ્ર ચાલું થાય એ અમારો મુખ્ય લક્ષ્યાંક છે. અમે આ વર્ષને ‘યોગ વર્ષ’ તરીકે ઉજવીશું. આમાં યોગ મેરેથોન, યોગ સ્પાર્ધાના જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

શ્રી શીશપાલજીએ યુવાનોને મેસેજ આપતા કહ્યું કે, યોગ આપણી સંસ્કૃતિ છે. આ દેશની જીડીપી વધારવી હોય તો દરેક યુવાનોને યોગ સાથે જોડવું ખૂબ જરૂરી છે. યોગ કરવાથી શારિરીક અને માનસિક મનોબળ વધે છે.  યુવાનો વધુ કામ કરી શકે છે. આજકાલના યુવાનો તણાવથી પીડાય છે તેમજ યુવાનોમાં નાની ઉંમરે આવતા હાર્ટ અટેકના કિસ્સા જે વધી રહ્યા છે એનાથી બચવા માટે યુવાનોએ યોગ કરવું ખૂબ જરૂરી છે.  યુવાનોને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ સાથે જોડાવવું જરૂરી છે.

શ્રી શીશપાલજીએ યોગથી થતા ફાયદાની વાત કરતા કહ્યું કે, યોગએ ભારતીય સંસ્કૃતિની દેન છે. યોગ કરવાથી અનેક રોગનો જડમૂળમાંથી નાશ પામે છે. યોગ આરોગ્ય અને સુખાકારી માટે સાફલ્યવાદી અભિગમ છે. યોગ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી સુખી જીવનના સ્તરને સુધારવાનું કામ કરે છે. યોગ રક્ષા કવચ સમાન છે, જે શારીરિક , માનસિક વિકારોને દૂર કરીને તંદુરસ્તી બક્ષે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાજયકક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાશે

૨૧ જૂનના રોજ નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયવ્યાપી ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ થનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાજયકક્ષાનો કાર્યક્રમ સુરત ખાતે યોજાશે. ત્યારે  ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેવા

માટે તૈયાર કરાયેલી લિંક http://desk.voiceey.com/idoy/પર સૌ નાગરિકોને નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા જણાવાયાનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સાર્થક પ્રયત્નોથી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગ વિદ્યા વૈશ્વિક વિરાસતમાં સામેલ થઈ છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગને માન્યતા મળી છે ત્યારે રાજયભરના નાગરિકો આ ઉજવણીમાં જોડાઈને દેશભરમાં યોગક્ષેત્રે પણ ગુજરાત નંબર વન બને તેવા પ્રયાસો કરવા અનુરોધ કરાયો છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિશે

ભારતીય સંસ્કૃતિની દેન ‘યોગ’ને આખા વિશ્વમાં પહોચાડવા માટે ૨૧ જુનને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઘોષીત કરાવવામાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુચન કરેલું જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ૨૦૧૫ થી ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયુ.

જે સંકલ્પને પરીપુર્ણ કરવા ગુજરાત સરકાર દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા  ૨૧ જૂન ૨૦૧૯ થી “Gujarat State Yog Board”ની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજયમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય

અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારિરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો હેતુ છે. યોગ બોર્ડનો ઉદ્દેશ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા થાય તે માટેનો છે.

યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. આમ, ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નિમવા, તેમજ યોગ કોચને તાલીમ આપી તાલીમબધ્ધ યોગ કોચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આલેખન  : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.