Western Times News

Gujarati News

વિશ્વ યોગ દિવસે કેવડીયામાં ૧૦૦૦ જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓ યોગ સાધનામાં જોડાયા

એકતા-અખંડિતતાના – જોડવાના પ્રતિક સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સમીપે સંતશકિત સાથે સાંધ્ય યોગ સાધનામાં સહભાગી થતા મુખ્યમંત્રી

રાજપીપલા, શુક્રવાર :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, વિશ્વના લોકો આજે ઓલરાઉન્ડ વેલનેસ, કમ્પ્લીટ હેપ્પીનેસ, અને ઇનકલુઝિવ હેલ્થકેર પાછળ દોડતા થયા છે ત્યારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં વિશ્વ આખાની સંપૂર્ણ સુખાકારીની કામના યોગ સાધનાના આવિષ્કારથી કરી છે.

તેમણે પ્રાચીન ભારતના ઋષિ-મનિષિઓએ વિશ્વને આપેલી આ અમૂલ્ય ભેટ આજે તનાવમુકિત, માનસિક-શારીરિક વ્યાધિના નિવારણની સરળ રામબાણ ઇલાજ બની છે તેમ પણ ઉમેર્યુ હતું.  મુખ્યમંત્રીશ્રી પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં કેવડીયા ખાતે નમર્દા મૈયા સમીપે સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’  સાનિધ્યે ૧૦૦૦ જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓની નિશ્રામાં યોજાયેલી સાંધ્ય યોગ સાધનામાં ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ અવસરે મુખ્યમંત્રી સાથે જોડાયા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, યોગનો વ્યાપક અર્થ છે જોડવું, આત્માને પરમાત્મા સાથે જોડવાની શારીરિક – આધ્યાત્મિક પ્રક્રિયા એટલે કે યોગ જીવને શિવ સાથે જોડવાની શ્રેષ્ઠ કડી છે.

તેમણે પ્રચીન ગ્રંથો વેદ-ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ ગીતામાં યોગની-જોડવાની વાત વણી લેવાઇ છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, સરદાર સાહેબે પણ દેશની એકતા અખંડિતતા માટે રજવાડાઓને એકતાના તાંતણે જોડેલા.  આ સંદર્ભમાં એકતાના પ્રતિક સરદાર સાહેબની પ્રતિમા સમીપે સમાજની એકતા-સમરસતાના માર્ગદર્શક સંતોની ઉપસ્થિતીમાં યોગ સાધના ઉપયુકત બની છે, એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્વસ્થ-તંદુરસ્ત અને શકિતશાળી સમાજ માટે વધુને વધુ લોકો તેમજ યુવાશકિત યોગ સાધનામાં જોડાય તેવો પ્રેરક અનુરોધ કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, બહુધા યુવાશકિતને યોગ પ્રત્યે પ્રેરિત કરીને જ સ્વસ્થ-સશકત રાષ્ટ્રનિર્માણ અને ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ સાકાર થઇ શકશે.

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયભરમાં પ૦ હજારથી વધુ સ્થાનોએ દોઢ કરોડ યોગ પ્રેમીઓએ સામૂહિક યોગ સાધના કરીને સ્વસ્થ ગુજરાતની ભાવના સાકાર કરી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.  તેમણે ઉમેર્યુ કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમીપે સંતો-મહંતો-ધર્મગુરૂઓની નિશ્રામાં યોગ સાધના કંઇક નવું કરવાની ગુજરાતની પહેલનું પરિચાયક પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી બન્યું છે.

શ્રી ચુડાસમાએ રાજ્યમાં યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે મુખ્યમંત્રીશ્રીએ પ્રતિબધ્ધતા સાથે રાજ્ય યોગ બોર્ડની  રચના કરવાના કરેલા નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા હતા.  આ અવસરે સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. અને અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ કમિશનર શ્રી જેનુ દેવન, નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમિનીસ્ટ્રેટરશ્રી આઇ.કે. પટેલ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, બી.એ.પી.એસ.ના શ્રી બ્રહ્મવિહારી સ્વામી સહિત વિવિધ ધર્મ-સંપ્રદાયના અગ્રણી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.  ઢળતી સંધ્યાએ સૌએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપે સામૂહિક યોગ સાધના-પ્રાણાયામ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.