Western Times News

Gujarati News

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને કલાકારોને પારિતોષિક એનાયત કરાયા

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ: ૨૦૨૩

શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ચલચિત્ર તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્ર પારિતોષિક એનાયત

રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ

ગાંધીનગર ખાતે રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો.

સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાયેલા સમારોહમાં નાણા મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ ૪૬ જેટલી કેટેગરીમાં આશરે ૧૮૧ કલાકાર-કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.

પારિતોષિકથી સન્માનિત થયેલા તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતી ચલચિત્રો અને તેની સાથે સંકળાયેલા નિર્માતાઓ-કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગને પ્રવાસન સાથે સાંકળીને મુખ્યમંત્રીશ્રીએ ગત વર્ષે જ ગુજરાતની સૌપ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’ અમલમાં મૂકી છે. ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવી રાજ્ય સરકારે  ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ કર્યો છે. જેના પરિણામે આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માત્ર આજીવિકાનું સાધન નહિ, પણ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની નવી તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે.

મંત્રી શ્રી દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે રહેલી વિપુલ તકોના કારણે આજે અન્ય પ્રદેશોના ફિલ્મ નિર્માતાઓ ગુજરાત તરફ આકર્ષિત થયા છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મોએ રાષ્ટ્રીય સ્તરે નેશનલ એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્કાર જેવા ખ્યાતનામ પુરસ્કારો સુધી પહોંચીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મો માત્ર મનોરંજન તરીકે જ નહિ, પણ અહીની સંસ્કારી ભૂમિ પર જન્મેલા મહાનાયકોના સંઘર્ષ અને સિદ્ધિઓને પણ ફિલ્મના રૂપેરી પડદે ઉજાગર કરવા સૌ ફિલ્મ નિર્માતાઓને તેમણે આહ્વાન કર્યું હતું.

માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે કલાકારોને આવકારતા કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોનો વ્યાપ દેશ-વિદેશમાં વધે અને ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન મળે તેવા નેક હેતુ સાથે રાજ્ય સરકારે ચલચિત્ર નિર્માણ પ્રોત્સાહન નીતિ ઘડી છે.

ફિલ્મ ઉદ્યોગમાં નવા વિચારો, નવી ટેકનોલોજી અને નવા પરિમાણોથી રાજ્યની યુવાશક્તિ પ્રેરિત થઈને આજે ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રે જોડાઈ રહી છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ ગુજરાતનો વિકાસ અવિરત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ કલાકાર- કસબીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે માહિતી નિયામક શ્રી ડી. કે. પારેખે ઉપસ્થિત રહી સૌ કલાકારોને પ્રોત્સાહિત કરતા આભારવિધિ કરી હતી. તેમણે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા કલાકારો દ્વારા કરાયેલા સૂચનો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેના પર વિચાર-વિમર્શ બાદ અમલમાં લાવવા તૈયારી દર્શાવી હતી.

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સિધ્ધાર્થ રાંદેરિયા, પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, અભિષેક શાહ, વિપુલ મહેતા, પાર્થિવ ગોહિલ અને સૌમ્ય જોશી સહિતના ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*મુખ્ય પારિતોષિક નીચે મુજબ છે:*

વર્ષ પારિતોષિકની કક્ષા પુરુસ્કૃત કલાકારનું નામ ચલચિત્રનું નામ
૨૦૧૬૧૭ શ્રેષ્ઠ ફિલ્મ સિનેમન પ્રોડક્શન લી. રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રી મિખીલ મુસલે રોંગ સાઈડ રાજુ
શ્રેષ્ઠ અભિનેતા શ્રી મલ્હાર ઠાકર થઇ જશે
શ્રેષ્ઠ અભિનેત્રી સુશ્રી દીક્ષા જોષી શુભ આરંભ
૨૦૧૭૧૮ શ્રેષ્ઠ ફિલ્મ અક્ષર કોમ્યુનિકેશન લવની ભવાઈ
શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રી સંદિપ પટેલ લવની ભવાઈ
શ્રેષ્ઠ અભિનેતા શ્રી સિદ્ધાર્થ રાંદેરીયા ગુજ્જુભાઈ: મોસ્ટ વોન્ટેડ
શ્રેષ્ઠ અભિનેત્રી કુ. આરોહી પટેલ લવની ભવાઈ
૨૦૧૮૧૯ શ્રેષ્ઠ ફિલ્મ બ્રેઇનબોકસ સ્ટુડીયોઝ રેવા
  શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રી રાહુલ ભોલે – શ્રી વિનીત કનોજીયા રેવા
શ્રેષ્ઠ અભિનેતા શ્રી પ્રતિક ગાંધી વેન્ટીલેટર
શ્રેષ્ઠ અભિનેત્રી શ્રીમતી તિલ્લાના દેસાઇ પાઘડી
૨૦૧૯ શ્રેષ્ઠ ફિલ્મ સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી હેલ્લારો
  શ્રેષ્ઠ દિગ્દર્શક શ્રી અભિષેક શાહ હેલ્લારો
  શ્રેષ્ઠ અભિનેતા શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા ચાલ જીવી લઈએ
  શ્રેષ્ઠ અભિનેત્રી કુ. આરોહી પટેલ ચાલ જીવી લઈએ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.