Western Times News

Gujarati News

નડિયાદ બધિર વિદ્યાલય ખાતે આંતર રાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિનની ઉજવણી કરાઇ

નડિયાદ:મંગળવાર-. નડિયાદ ખાતે આવેલ બધિર વિદ્યાલયમાં જિલ્‍લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્‍લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના સંયુકત ઉપક્રમે આંતર રાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિનની ઉજવણી અધિક જિલ્‍લા કલેકટરશ્રી રમેશ મેરજાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. અધિક કલેકટરશ્રી રમેશ મેરજાએ જણાવ્‍યું હતું કે, ભગવાને ભલે દિવ્‍યાંગજનોને એકાદ શારિરીક ક્ષતિ વાળુ શરીર આપ્‍યું હોય, પરંતુ તેઓની સીકસ સેન્‍સ ખૂબ જ પાવરફુલ હોય છે. આ સીકસ સેન્‍સના આધારે દિવ્‍યાંગજનો ઘણી વખત આપણી વિચાર ક્ષમતાથી ઉપર નું કામ ખૂબ જ સરળતાથી અને કોઇ પણ જાતની ફરિયાદ વગર કરી શકે છે. દિવ્‍યાંગજનો આપણા સમાજમાં ખૂબજ સરળતાથી હરીફરી શકે તે રીતે તેમની સાથે વ્‍યવહાર કરવાની તેઓએ અપીલ કરી હતી.

જિલ્‍લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી એલ.જીભરવાડે સૌને આવકારીને જણાવ્‍યું હતું કે, સંયુકત રાષ્‍ટ્ર સંધ દ્વારા સને ૧૯૯૧ થી દર વર્ષે ત્રીજી ડિસેમ્‍બરને આંતર રાષ્‍ટ્રીય દિવ્‍યાંગ દિનની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ત્યાર થી દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે દિવ્‍યાંગ દિનની ઉજવણી કરવામાં આવે છે. તેઓએ જણાવ્‍યું હતું કે, વિકલાંગોના અધિકારો માટે જાગૃતિ લાવવા, દિવ્‍યાંગજનો સમાજનો અગત્યનો ભાગ, તેઓ આત્‍મ સન્‍માનથી જીવી શકે, આર્થિક અને સામાજિક ઉસ્‍થાન કરી શકે, સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તેવા શુભ આશય થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્‍યાંગજનોને શિષ્‍યવૃત્તિ ફાળવવામાં સમગ્ર રાજયમાં ખેડા જિલ્‍લા છેલ્‍લા ત્રણ વર્ષથી પ્રથમ ક્રમાંકે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી રાવલે જણાવ્‍યું હતું કે, દિવ્‍યાંગજનો સમાજના ભાગ છે. તેઓ આ જીવન સારી રીતે જીવી શકે તે માટે અલગથી કાયદાઓ બનાવવા આવ્‍યા છે. દિવ્‍યાંગ જનો માટેના કાયદામાં સને ૨૦૧૬થી ઘણા સુધારાઓ કરવામાં આવ્‍યા છે. તેમજ તેમના માટે યુડીઆઇડી કાર્ડ, સુગમ્‍ય ભારત, સાધન સહાય, લગ્‍ન સહાય, બસ-રેલ્‍વેમાં સહાય, અલગ ઓળખ કાર્ડ જેવા અનેક લાભો સરકાર આપી રહી છે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. તેમના માટે કાનૂની સહાયની પણ જોગવાઇ કરવામાં આવી છે. અહિ તેઓ તેમને લગતા હકકો અને સહાયની વિગતો પણ સરળતાથી જાણ શકે છે.

જિલ્‍લા સિવિલ સર્જન શ્રી પાઠકજીએ જણાવ્‍યું હતું કે, રાજયમાં દિવ્‍યાંગોની સહાય માટે આરોગ્‍ય વિભાગ અવિરત કામગીરી કરી રહયો છે. તેનો મહત્તમ લાભ લેવો જોઇએ. હાલ દિવ્‍યાંગોને મદદરૂપ થવામાં સમગ્ર રાજયમાં ખેડા જિલ્‍લો પાંચમાં ક્રમે છે અને નડિયાદ સિવિલમાં દર માસે એક કેમ્‍પનું આયોજન પણ દિવ્‍યાગજનો માટે કરવામાં આવે છે.

બધિર વિદ્યાલયના પ્રમુખશ્રી ર્ડા. જે.સી. પટેલે બધિરો માટે આ સંસ્‍થા ની કામગીરીની વિસ્‍તૃત જાણકારી આપી હજુ પણ દિવ્‍યાંગજનોને માટે વધુ કરવાની જરૂરત ઉપર ભાર મૂકયો હતો.   મહાનુભાવોના હસ્તે દિવ્‍યાંગ લગ્‍ન સહાય, સાધન સહાય, નેશનલ ક્ક્ષાએ રમત ગમતમાં વિજેતા અને ભાગ લીધેલા ખેલાડીઓને સન્‍માન પત્ર અને ચેક આપી પુરસ્‍કૃત કરાયા હતા.

આ કાર્યક્રમમાં રાષ્‍ટ્રીય અંધજન મંડળનાશ્રી રમેશભાઇ, વાંઠવાળીના શ્રી મનીષભાઇ, વિદ્યાલયના બાળકો, જિલ્‍લાના વિકલાંગ ભાઇઓ અને બહેનો, વિકલાંગ મંડળના પ્રમુખશ્રી રાકેશભાઇ, શ્રી મહેશ પટેલ, સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની કચેરીના કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.